Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર રાજ્યના લોકોના આરોગ્યની ચિંતાઓ કરતાં, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને CMને પત્ર લખ્યો છે. એસોસિએશનની માંગ એવી છે કે, બોગસ તબીબો પર સરકારે ખૂબ જ આકરાં પગલાંઓ લેવા જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો, રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રમાં ગમે ત્યારે મોટા રોગચાળાની સંભાવનાઓ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતની રચના 1960માં થઈ. બોગસ તબીબો વિરુદ્ધનો કાયદો 1963માં બન્યો. આટલાં દાયકાઓથી કાયદામાં સુધારો થયો નથી. કાયદો કડક બનાવવામાં આવ્યો નથી, તેથી બોગસ ડોક્ટરો પર કાયદાનો ભય કે ધાક નથી.
1963માં બોગસ ડોક્ટર વિરુદ્ધ જે કાયદો બન્યો તેમાં બહુ મોટો દંડ કે સજાઓ નથી. આથી આવા તત્ત્વો કાયદાથી ડરતા નથી. કોઈ બોગસ ડોક્ટર પ્રથમ વખત ઝડપાઈ જાય તો રૂ. 500 દંડ ભરીને પાછો છૂટી પણ જાય. બીજી વખત ઝડપાઈ જાય તો, રૂ. 500 જ દંડ અને 6 મહિનાની સજા તથા જો ત્રીજી વખત એ જ ડોક્ટર ઝડપાઈ જાય તો દંડ રૂ. 2,000 અને/અથવા 2 વર્ષની સજા. IMA કહે છે: આવા તત્ત્વો વિરુદ્ધ દંડ અને સજા આકરાં કરવા જોઈએ, આ મામલો લોકોના આરોગ્ય અને જિંદગીનો છે.
IMA કહે છે: આ અત્યંત ગંભીર બાબત છે, તેથી અમો સરકારને વિનંતી કરીએ છીએ કે, આ બાબતે ઝડપથી કડક વલણ અખત્યાર કરવું જોઈએ. આ સ્થિતિઓમાં ગમે ત્યારે, રાજ્યમાં અથવા રાજ્યના અમુક વિસ્તારોમાં રોગચાળો અથવા મેડિકલ ડિઝાસ્ટર ઉભું થઈ શકે છે. આ પ્રકારના બોગસ તબીબો ચેપી કે બિનચેપી રોગોના દર્દીઓને સ્વસ્થ બનાવી શકતા નથી. લોકોના જીવનું પણ જોખમ હોય છે. રાજ્યભરમાં અસંખ્ય એવા અહેવાલ આવી રહ્યા છે કે, એલોપથીની પદવી અને તાલીમ ન ધરાવતા તત્ત્વો બોગસ ડોક્ટર બની એલોપથી દવાઓ આપી રહ્યા છે, દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ જોખમી મામલાઓ છે. આ પ્રકારની નિયમ વિરુદ્ધની અને ગેરકાયદેસરની તબીબી પ્રેક્ટિસ તાકીદે બંધ કરાવવા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને ભારપૂર્વક લખ્યું છે.(symbolic image source:google)