Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં જુદી જુદી સરકારી જગ્યાઓ પર હજારોની સંખ્યામાં એવી સાયકલો ભંગાર બની રહી છે, જે એક સમયે સરકારે છાત્રાઓને વિનામૂલ્યે વિતરણ કરવા ખરીદી હતી. આ મામલે પાછલાં દિવસોમાં મોટો ઉહાપોહ મચી ગયા પછી, હવે સરકાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે.
રાજ્યના આરોગ્યમંત્રી અને સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલએ જણાવ્યું છે કે, સરકારે સાયકલ ઉત્પાદકો પાસેથી 38,000 કરતાં વધુ સાયકલો ખરીદવા પ્રક્રિયાઓ હાથ ધરી હતી. આ પ્રક્રિયાઓ અંતર્ગત સાયકલોની ગુણવત્તા ચકાસવામાં આવી હતી અને તે પૈકી, 14,000 કરતાં વધુ સાયકલ સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલી. આ સાયકલો પૈકી 11,000 કરતાં વધુ સાયકલ છાત્રાઓને વિતરણ કરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે, સાયકલ સપ્લાયર દ્વારા સરકારને અગાઉ નક્કી થયેલા ભાવ કરતાં થોડા નીચા ભાવે સાયકલો આપવામાં આવી છે. જો કે આ અંગેની આંકડાકીય વિગતો પ્રવકતામંત્રી પાસે ઉપલબ્ધ ન હતી.(ફાઈલ તસ્વીર)