Mysamachar.in-રાજકોટ:
આજે સવારે પુરૂષોતમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરે એ પહેલાં, કાલે સોમવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરકારે વધુ એક પ્રયાસના ભાગરૂપે મોડી રાત સુધી ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી રૂપાલા વિવાદનો તોડ કાઢવા મથામણ કરી હતી પરંતુ આ મથામણ નિષ્ફળ રહી હતી, કેમ કે ક્ષત્રિય આગેવાનો પોતાની વાત પર મક્કમ રહ્યા હતાં.
સોમવારે રાત્રે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. બીજી તરફ ક્ષત્રિય સમાજ વતી કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા તથા રાજકોટના પી.ટી.જાડેજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સરકારે ક્ષત્રિયોને રૂપાલા વિવાદ મુદ્દે સમજાવવા પૂરતાં પ્રયાસ કર્યા હતાં પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પોતાની વાત મક્કમ રીતે પકડી રાખી હતી. મધરાતે પૂરી થયેલી આ બેઠક નિષ્ફળ રહી.
આ બેઠક અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના પત્રકારોને માહિતીઓ આપવા આજે સવારે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા દ્વારા રાજકોટમાં એક પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી છે. રૂપાલા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે એ પહેલાં જાડેજાએ આ પત્રકાર પરિષદ યોજી.રૂપાલા બપોરે 12:39 વાગ્યે, વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરશે. આ પહેલાં રાજકોટ ભાજપા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એક તરફ રૂપાલા અને ભાજપાની મક્કમતા અને બીજી તરફ ક્ષત્રિય સમાજનો રૂપાલા અને ભાજપા વિરુદ્ધનો દ્રઢ નિશ્ચય અને એકતા- આ બંને બાબતોને કારણે હાલ રાજકોટ શહેર ચૂંટણીમેદાનને બદલે રણમેદાન જેવું દેખાઈ રહ્યું છે. સમગ્ર શહેર ઉપરાંત જિલ્લાભરમાં જબરી ઉતેજના જોવા મળી રહી છે. આગામી સમયમાં આ રસાકસી વધુ તીવ્ર બનવાની સંભાવનાઓ છે. દરમિયાન, આગામી 22મીએ રાજકોટમાં ચૂંટણીસભા સંબોધી વડાપ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે એમ પણ માનવામાં આવી રહ્યું છે. તેથી સૌની નજર હાલ વડાપ્રધાનની સંભવિત રાજકોટ મુલાકાત પર છે.