Mysamachar.in-અમદાવાદ:
સોનાચાંદીના વ્યવસાયમાં વેપારીઓ અને ગ્રાહકો વચ્ચેનો ‘ભરોસો’ કાયમ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. અસંખ્ય ગ્રાહકો એવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે કે, આ ધંધામાં ગ્રાહક વેપારીઓ પ્રત્યે જે ભરોસો ધરાવતો હોય છે, તે ભરોસાની આડમાં પણ ઘણું ખોટું થતું રહેતું હોય છે. આ માટે આ બિઝનેસમાં સ્ટાન્ડર્ડ અને ભરોસો સ્થાપિત કરવા હોલમાર્ક પદ્ધતિ છે. જો કે, આમ છતાં કરોડો અબજો રૂપિયાના સોનાચાંદીના ઘરેણાં હોલમાર્ક વિના જ, માત્ર ભરોસે વેચાણ થતાં રહે છે. આથી આ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા સરકાર ઈચ્છે છે કે, હોલમાર્કનો વ્યાપ વધારવામાં આવે.
આગામી સમયમાં સોનાચાંદીના ઘરેણાંના વેચાણમાં વધુ પારદર્શકતા લાવવા સરકાર હોલમાર્કની પ્રથાનો વ્યાપ વધારવા જઈ રહી છે. હાલમાં 14 કેરેટથી માંડીને 24 કેરેટ સુધીના સોનાના દાગીનામાં હોલમાર્ક સિસ્ટમ છે. 9 કેરેટના ઘરેણાંમાં હોલમાર્ક પ્રથા નથી. અને, ચાંદીના દાગીનાઓ મોટેભાગે એમને એમ જ વેચાણ થઈ રહ્યા છે. એમાં તો ટેક્સ પેઈડ બિલો પણ નથી બનતાં. આ ઉપરાંત 14 થી માંડીને 24 કેરેટના સોનાના દાગીનામાં પણ, GST વિનાના બિલોનું ચલણ વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તોતિંગ પ્રમાણમાં ચાલી રહ્યું છે.
સરકાર વતી BIS- બ્યૂરો ઓફ ઈન્ડિયા ફોર સ્ટાન્ડર્ડ એવું ઈચ્છે છે કે, આગામી સમયમાં 9 કેરેટના દાગીનાઓ પર પણ હોલમાર્ક આવે. આ ઉપરાંત ચાંદીના ઘરેણાંમાં પણ હોલમાર્ક ફરજિયાત દાખલ કરવામાં આવે. હાલમાં ચાંદીના 90 ટકા ઘરેણાં ભંભેભંભ વેચાણ થઈ રહ્યા છે.
આગામી 22 જૂલાઈએ BISએ આ ચર્ચાઓ માટે દેશભરના ઝવેરીઓના સંગઠન સાથે બેઠક આયોજિત કરી છે. આ બેઠકમાં ચર્ચાઓ બાદ જરૂરી નિર્ણયો લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રાહકોને છેતરપિંડીઓથી બચાવવા અને દાગીનાઓની શુદ્ધતાની ખાત્રી માટે હોલમાર્ક પ્રથા અનિવાર્ય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સોનાના ભાવ રેકોર્ડ સ્તરે છે અને લોકોમાં ઓછાં વજનવાળી જવેલરીનો ટ્રેન્ડ હોય, ઓછાં કેરેટના દાગીનાઓ બનાવવાનું પ્રમાણ વધી ગયું છે. આ ઉપરાંત ચાંદીમાં નકલી અને અશુદ્ધતાનો મુદ્દો પણ સંવેદનશીલ અને ગંભીર છે.(symbolic image source:google)