Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત અથવા ભારતમાં મિલ્કતો ધરાવતાં ઘણાં લોકો NRG-NRI તરીકે વિદેશોમાં સ્થાયી થયેલા હોય છે. આ પ્રકારના લોકો વતનમાં પોતાની મિલ્કતોની દેખરેખ તથા વેચાણ માટે ચોક્કસ વ્યક્તિને, કેટલાંક કિસ્સાઓમાં લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિઓને, મિલ્કતો અંગેના પાવર ઓફ એટર્ની આપતાં હોય છે. આ પ્રકારના પાવર ઓફ એટર્નીનો ઘણાં કિસ્સાઓમાં મિસયૂઝ થતો હોવાનું જાહેર થતું હોય છે. આ પ્રકારની છેતરપિંડી અટકાવવા રાજ્યનાં મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં એક સરકયૂલર બહાર પાડવામાં આવ્યો છે. જે અંગે જાણકારી ધરાવવી આવશ્યક છે.
રેવન્યુ વિભાગનાં આ નવા પરિપત્રમાં આ પ્રકારની મિલ્કતોના વેચાણ સમયે અનુસરવાની થતી નવી પ્રક્રિયા નિશ્ચિત કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં કહેવામાં આવ્યું છે કે – આવી મિલ્કતોના વેચાણ દસ્તાવેજો અહીં ગુજરાત-ભારતમાં થાય ત્યારે વિદેશ રહેતાં આ મિલ્કતોના માલિકોએ વિદેશથી વધુ એક દસ્તાવેજ ગુજરાત અથવા ભારત મોકલવાનો રહેશે. આ દસ્તાવેજ તેઓની એટલે કે પ્રોપર્ટી માલિકની હૈયાતી અંગેનો હશે. સંબંધિત મિલ્કતનું સેલડીડ બન્યું અથવા અમલમાં આવ્યું ત્યારે મિલકત માલિક જિવિત છે એવું દસ્તાવેજ નોંધણી અધિકારી સમક્ષ જાહેર કરવાનું રહેશે.
વિદેશ રહેતાં મિલ્કત માલિકે આ નોટરાઇઝડ કરેલો હૈયાતી દસ્તાવેજ સીલબંધ કવરમાં મોકલવાનો રહેશે. અને, આ કવર દસ્તાવેજ નોંધણી અધિકારી સમક્ષ ખોલવામાં આવશે. મિલ્કતનું હસ્તાંતરણ કરનાર પાવર ઓફ એટર્ની મિલ્કત માલિક સાથે લોહીનો સંબંધ ધરાવનાર પરિવારનો સભ્ય હોય કે થર્ડ પાર્ટી, દરેક કિસ્સામાં આ પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે. ગુજરાતનાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવને આ સરકયૂલર નવમી જાન્યુઆરીએ બહાર પાડયો છે. જે ગુજરાત રજિસ્ટ્રેશન(સુધારો) રેગ્યુલેશન એકટ-2023 તરીકે ઓળખાશે. રૂ. 50નાં મૂલ્યના આ નોટરાઈઝડ સ્ટેમ્પ પર મિલ્કતના માલિકે જાહેર કરવાનું રહેશે કે તેઓ આ મિલ્કત સેલડીડ સમયે જિવિત છે, તેઓએ પાવર ઓફ એટર્ની પાછું ખેંચ્યું નથી, આ મિલ્કત અંગે કોઈ કાનૂની વિવાદ નથી અને જો આ સોદામાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી થયેલી માલૂમ પડશે તો તે માટેની જવાબદારી મારી(મિલ્કત માલિકની) રહેશે.