Mysamachar.in-ગાંધીનગર:
વિધાનસભા ગૃહમાં જ્યારે પણ કોઈ વિપક્ષી સભ્ય સરકારના કોઈ વિભાગની કે સરકારની ટીકા કરે ત્યારે, સામાન્ય રીતે સરકાર આ ટીકા સાચી હોય તો પણ તેને માત્ર રાજકીય આક્ષેપ ગણી આખી વાતને હસી કાઢતી હોય છે, વાતને ખંખેરી નાંખતી હોય છે અથવા વિપક્ષની વાતને સરકાર મહત્વપૂર્ણ લેખતી હોતી નથી. પરંતુ મંગળવારે વિધાનસભામાં કંઈક અલગ જ ચિત્ર દેખાયું. ખુદ શાસકપક્ષના ધારાસભ્યએ સરકારના સૌથી મહત્ત્વના બે વિભાગ- આરોગ્ય વિભાગ અને ફૂડ સેફટી વિભાગ પર રીતસર ‘ફટકાબાજી’ કરી, સરકાર સ્તબ્ધ થઈ ગઈ. કારણ કે સરકાર માટે આ જાહેરમાં નીચાજોણું સાબિત થયું.
સતાપક્ષના ધારાસભ્ય કુમાર કાનાણીએ મંગળવારે વિધાનસભામાં સટાસટી બોલાવી. આયુષ્યમાન કાર્ડ યોજનાના વખાણ કરવા સાથે એમણે એમ પણ કહ્યું કે, કોઈને શનિવારે સાંજે હાર્ટએટેક આવ્યો હોય તો, હોસ્પિટલોમાં સ્થિતિઓ એ છે કે, સોમવાર સુધી એ દર્દીની આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર શક્ય ન બને. એવું ઘણાં કેસમાં એટલાં માટે જોવા મળે છે કેમ કે, ઘણાં લોકોના આયુષ્યમાન કાર્ડ સરકારની ઓનલાઈન વ્યવસ્થાઓમાં એક્ટિવ હોતા નથી. શનિ-સોમ દરમિયાન કાર્ડ બનતા નથી. સર્વર ડાઉન છે એવા જવાબો પણ લોકોને સાંભળવા પડે છે. સરકારનો આરોગ્ય વિભાગ યોગ્ય સ્થિતિઓમાં નથી.
કુમાર કાનાણીએ આ ઉપરાંત ખાદ્ય ચીજોની ભેળસેળ મામલે પણ ગૃહમાં આકરી વાત કરી. તેમણે કહ્યું: બધે જ ભેળસેળ બેફામ છે. ખાદ્ય પદાર્થો નકલી હોય છે. પૂરતું ચેકિંગ થતું નથી. સામાન્ય દંડ થાય છે. લોકો ખાદ્ય ચીજો આરોગી લ્યે પછી, સેમ્પલના રિપોર્ટ આવે. ટૂંકમાં, સ્થિતિઓ ગંભીર હોવાનું એમણે આ મુદ્દે પણ કહ્યું. કાનાણીની આ સટાસટીને કારણે વિપક્ષ ગેલમાં આવી ગયો. સરકાર ભીંસમાં આવી ગઈ.