Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ 3 મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓના 1068 CNG અને 382 ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે.
મુખ્યમંત્રીએ આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે. આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. 12.50 નાં સ્થાને હવે રૂ. 18 આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતા તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે.
આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. 22 અનુદાન પેટે અપાશે તેમજ VGF ઘટ ના વધુમાં વધુ 50 ટકા મળતા હતા તે વધારીને 75 ટકા પ્રમાણે અપાશે.ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ રૂ. 25નાં સ્થાને હવે રૂ. 30 અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટની જે રકમ અગાઉ ૫૦ ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ 60 ટકા મળશે.
રાજ્યમાં ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂ. 40 અને ઘટ ની રકમના વધુમાં વધુ 75 ટકા અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ 2864 બસની કરેલી જોગવાઈઓ સામે 662 ઇ-બસ અને 1097 CNG એમ કુલ 1759 બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી 382 ઇ-બસ અને 1068 CNG બસ હાલ કાર્યરત છે.