Mysamachar.in-ગાંધીનગર:
આજે નવમી ડિસેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર સંબંધે શું સ્થિતિઓ છે, તેના આંકડા રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલાં રિપોર્ટના આધારે જાહેર થયેલા તેમાં જણાવાયું છે કે, સરકારના 21 વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 12,600 કરતાં વધુ ફરિયાદો મળેલી જે પૈકી 25 ટકા જેટલી ફરિયાદો એકલાં માત્ર શહેરી ‘વિકાસ’ વિભાગને મળી. તેનો સાદો અર્થ એ થઈ શકે કે, ‘વિકાસ’ સાથે જે બાબતો અને કામો સંકળાયેલા છે- તેમાં સૌથી વધુ ફરિયાદ છે.
વર્ષ 2023માં વિધાનસભામાં સરકારે જે આંકડા જાહેર કરેલાં તે દર્શાવે છે કે, સરકારના 21 વિભાગમાં જે 12,049 ફરિયાદ ભ્રષ્ટાચાર સંબંધિત મળી તે પૈકી સૌથી વધુ એટલે કે 25 ટકા જેટલી ફરિયાદ શહેરી વિકાસ મંત્રાલયને મળી. આ વિભાગમાં 2,996 ફરિયાદ છે. 1,735 ફરિયાદ સાથે મહેસૂલ વિભાગ બીજા નંબરે છે, એક જમાનામાં આ વિભાગ પ્રથમ ક્રમે રહેતો હતો. ત્રીજા ક્રમે પોલીસ વિભાગ છે, જેમાં 1,205 ફરિયાદ આવી છે.
સરકારના વિવિધ 21 વિભાગોની કચેરીઓ, બોર્ડ-નિગમો અને મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે સંબંધે જે 12,608 ફરિયાદો થઈ છે તે પૈકી 578 ફરિયાદ પ્રાથમિક તપાસ માટે જેતે વિભાગોને મોકલવામાં આવી છે. નાગરિકો ભ્રષ્ટ તંત્રોને કારણે ત્રસ્ત છે. રાજ્યમાં ભ્રષ્ટાચારના 90 ટકા કેસ તો પેન્ડિંગ જ રહે છે. માત્ર 39 ટકા મામલામાં સંબંધિત કસૂરવારોને સજાઓ થતી હોય છે.
એનસીઆરબીનો એક રિપોર્ટ કહે છે: વર્ષ 2022માં ગુજરાતમાં લાંચિયા તત્વોને ઝડપી લેવા 160 છટકાં ગોઠવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 5 વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના કેસ દાખલ થયેલા. 2 કસૂરવારોની ભ્રષ્ટાચારમાં ગુનાહિત સંડોવણી બહાર આવી હતી. અને ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય 9 કેસ મળી આ વર્ષમાં કુલ 176 કેસમાં કાર્યવાહીઓ થઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, લોકોમાં ભ્રષ્ટાચાર સંબંધે જાગૃતિ આવી છે. રાજ્યના વિજિલન્સ કમિશન સમક્ષ ફરિયાદો કરવાનું પ્રમાણ વધતું રહ્યું છે. NCRBનો અહેવાલ એમ પણ કહે છે કે, વર્ષ 2022ના અંતે ભ્રષ્ટાચારના 95 ટકા કેસ પડતર રહ્યા હતાં. અને, માત્ર 39 ટકા કેસમાં કસૂરવારોને સજાઓ થઈ. ભ્રષ્ટાચારની ફરિયાદો પૈકી 2,749 અરજીઓમાં વિજિલન્સ કમિશનને તથ્ય ન જણાતાં આ અરજીઓ દફતરે કરવામાં આવી છે. સંખ્યાબંધ મામલાઓ એવા હોય છે જેમાં કાં તો તપાસ થતી નથી અથવા જો તપાસ હાથ ધરવામાં આવે તો તપાસ ખૂબ ધીમે આગળ વધતી હોય છે.