Mysamachar.in-અમદાવાદ:
હાલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજારો નાની ખાનગી હોસ્પિટલો ધમધમે છે, આ હોસ્પિટલો સરકારના તમામ કાયદાઓનાં ક્ષેત્રમાં આવે છે કે કેમ ? આ હોસ્પિટલો સંબંધિત કાયદાઓનું પાલન કરે છે કે કેમ ? આ હોસ્પિટલોનું કોઈ સ્થાનિક સત્તાવાળાઓ મોનિટરીંગ કરે છે કેમ ? આ હોસ્પિટલોમાં દર્દીઓના હિતોની રક્ષા થાય છે કે કેમ ? વગેરે બાબતો અંગે લાલિયાવાડીઓ ચાલી રહી છે, કરોડો રૂપિયાનો બિઝનેસ કરતી આ હોસ્પિટલો પર જાણે કે કોઈનું કાંઈ નિયંત્રણ કે નિયમન જ ન હોય, તેવી રામભરોસે સ્થિતિ પ્રવર્તી રહી છે.
આ પ્રકારની નાની ખાનગી હોસ્પિટલોનું પણ રજિસ્ટ્રેશન થવું જોઈએ, આ હોસ્પિટલોમાં દર્દીઓના હિતોનું રક્ષણ થવું જોઈએ, વગેરે બાબતો હાલ ચર્ચાઓમાં છે.અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સૌરાષ્ટ્રની એક અને ગુજરાતની એક હોસ્પિટલમાં અંધાપાકાંડ થયા. જેને કારણે રાજ્યમાં વધુ એક વખત આ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. અને, હાઈકોર્ટમાં આ મુદ્દે સુઓમોટો પણ ચાલી રહી છે, જેની સુનાવણીમાં કેટલીક વિગતો બહાર આવી છે.
આ સુનાવણી દરમ્યાન સરકારે વડી અદાલતમાં કહ્યું છે કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટસ એક્ટમાં જરૂરી સુધારાવધારાઓ માટે સરકારનો પ્રસ્તાવ છે. અને, ટૂંક સમયમાં 50થી ઓછી પથારી ધરાવતી હોસ્પિટલો માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. જેથી આ કાયદાની જોગવાઈઓ મુજબ, કાયદાનો ભંગ થયે આવી હોસ્પિટલો વિરુદ્ધ પણ કાર્યવાહીઓ થઈ શકશે.
આ સુઓમોટો સુનાવણી દરમ્યાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ માયીની બેન્ચે આરોગ્ય સચિવને કાયદાની જોગવાઈઓની અમલવારીના સ્ટેટ્સને સ્પષ્ટ કરતું સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે અને વધુ સુનાવણી 21મી માર્ચે રાખી છે.