Mysamachar.in:ગાંધીનગર
આરોગ્યનું ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ હોવા છતાં આ ક્ષેત્રમાં ઘણી અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને ગોબાચારીઓ ચાલતી રહે છે જે અત્યંત ગંભીર અને ચિંતાપ્રેરક વિષય છે. હવે એવું જાહેર થયું કે, નબળી કવોલિટીની દવાઓથી બજાર ઉભરાઈ રહ્યું છે, સરકારે આવી દવાઓ બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ પણ કર્યો છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ 48 દવાઓને નબળી કવોલિટીની જાહેર કરી, આ દવાઓ બજારમાંથી પરત ખેંચી લેવા કંપનીઓને નોટિસ પાઠવી છે. જેમાં ગુજરાતની ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત અને અંકલેશ્વરમાં દવાઓનું ઉત્પાદન કરે છે.
જે દવાઓ પરત ખેંચી લેવાનો આદેશ થયો છે તેમાં ગંભીર બિમારીઓની તથા નાના બાળકો માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ માસ દરમિયાન સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ વિભાગે ગુજરાતમાં દવાઓના 1,166 સેમ્પલ લીધાં અને લેબોરેટરીમાં તપાસ કરાવી. જે પૈકી 48 દવાઓના સેમ્પલ તપાસમાં નબળા સાબિત થયા. જો કે કોઈ સેમ્પલ બનાવટી કે અન્ય કોઈ ત્રુટિ ધરાવતું નથી પરંતુ કવોલિટી બાબતે આ 48 સેમ્પલ નબળા છે. જેમાં એન્ટિ એલર્જી અને ભૂખ ઉઘાડવા માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે. સ્ટીરોઈડના કેટલાંક ઈન્જેકશન પણ નબળી ગુણવત્તા ધરાવતાં હોવાનું બહાર આવ્યું છે.
દવાબજારના જાણકારો કહે છે, સરકાર તરફથી આ નોટિસ મળતાં જ કંપનીઓએ હાલ આ દવાઓનું ઉત્પાદન અટકાવવું પડે. અને તંત્રએ બજારમાં વેચાણ બંધ કરાવવું પડે. પરંતુ હકીકતમાં એમ થશે નહીં! અથવા હમણાં નહીં થાય. બાળકો માટેના કફસિરપ સહિતની બાળકોની અન્ય કેટલીક દવાઓ પણ નબળી જાહેર થઈ છે. તંત્રોના પાપે આ દવાઓ ઘણાં સમય સુધી બજારમાં વેચાણ થતી રહેશે !