Mysamachar.in:ગુજરાત
ઈચ્છામૃત્યુ આપણે ત્યાં કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. આ માટે 2018માં સરકારી પ્રક્રિયા સ્તરે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પરંતુ પાછલાં ચાર-પાંચ વર્ષ દરમિયાન રેકર્ડ પર આવો એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી આ માટે લાંબી અને કડાકૂટવાળી પ્રક્રિયા હતી. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં આ પ્રક્રિયામાં કેટલાંક સુધારાઓ કરી આપ્યા છે. ઈચ્છામૃત્યુ એક એવો મામલો છે કે, જેમાં પારિવારિક સભ્યોની લાગણીઓનાં તાણાવાણા ગૂંથાયેલા હોય છે. આ ઉપરાંત મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ પણ તેમાં જોવું પડતું હોય છે કે, આ વ્યક્તિ કાયમી બ્રેઈન ડેડ છે, અસાધ્ય રોગથી સખત પિડાય છે. તે વ્યક્તિને વધુ જિવાડી શકાય તેવાં કોઈ ચાન્સ છે કે કેમ ? વગેરે ઘણાં પાસાંઓનો વિચાર કરવાનો હોય છે. એમ તો આપણાં સમાજમાં સંથારો (છેલ્લાં શ્વાસ સુધી અન્નજળ ત્યાગ) અને સમાધિ જેવાં કેટલાંક ઉપાયો પણ ઈચ્છામૃત્યુ સંદર્ભમાં દાયકાઓથી પ્રચલિત પણ છે. પરંતુ મેડિકલી ઈચ્છામૃત્યુ માટે સરકારી નિયમોનું પાલન ફરજિયાત છે. આ પ્રોસિજરમાં હવે થોડાંક સુધારા પણ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી એવો નિયમ હતો કે, કલેકટર એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ આ માટે મેડિકલ બોર્ડ બનાવે. જેમાં 20 વર્ષનાં અનુભવી એવાં ત્રણ સરકારી તબીબોનો સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત સ્થાનિક ન્યાયાધીશની મંજૂરી મેળવવામાં આવે. વગેરે વગેરે. હવે સુપ્રિમ કોર્ટે પ્રક્રિયા થોડી ટૂંકી કરી છે. મેડિકલ બોર્ડમાં 20ને બદલે પાંચ વર્ષનાં અનુભવી તબીબ તથા જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારીનો સમાવેશ કરવાનો રહેશે. મેડિકલ બોર્ડની રચના હવે કલેકટર નહીં કરે. જિલ્લાની સિવિલ હોસ્પિટલ કરશે. અને, સ્થાનિક ન્યાયાધીશની મંજૂરી જરૂરી નહી રહે. આ કેસ અંગે સ્થાનિક ન્યાયાધીશને માત્ર જાણ કરવામાં આવશે. અત્યાર સુધી પારિવારિક સભ્યોની ભૂમિકા ઈચ્છામૃત્યુ સંદર્ભમાં મહત્વની હતી. તે પણ હવે નવા સુધારા પ્રમાણે દૂર કરવામાં આવી છે. જો કે આપણે ત્યાં ઈચ્છામૃત્યુનો આ સરકારી કન્સેપ્ટ હજુ સુધી તો પ્રચલિત બન્યો નથી.





