Mysamachar.in-અમદાવાદ:
ફલાણા ફલાણા બે દેશ વચ્ચે રમાઈ રહેલાં આ મેચમાં કોણ જિતશે ? એ પ્રશ્નનો ઉત્તર સ્કીલ અથવા નોલેજથી આપી શકાય એ વાત સાચી પરંતુ એ વાત પણ સાચી છે કે, આ પ્રશ્નનો ઉત્તર ઓનલાઈન ગેમિંગમાં આપી, નાણાંની હારજિત પણ કરી શકાય, નાણાંની લેતીદેતી પણ શક્ય બની શકે. આમ છતાં, સરકારનું સ્પષ્ટપણે માનવું એમ છે કે, આ જૂગાર નથી. ગુજરાત સરકારે આ મતલબનું સોગંદનામું રાજ્યની વડી અદાલતમાં દાખલ પણ કર્યું છે.
ઓનલાઈન ગેમિંગ જૂગાર છે કે કેમ, આ મામલો હાલ હાઈકોર્ટમાં છે. ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે એક અરજદારે વડી અદાલતમાં અરજી દાખલ કરેલી છે. આ સુનાવણી દરમિયાન અરજદારે એવી રજૂઆત કરી કે, આ ગેમિંગ ચલાવતા લોકો વિરુદ્ધ કડક પગલાંઓ લઈ આ પ્રકારની વેબસાઈટ્સ બ્લોક કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, લો કમિશને આ સંબંધે સરકારને ભલામણ મોકલેલી છે અને બોમ્બે હાઇકોર્ટમાં આવી એક અરજી પેન્ડિંગ પણ છે. આ ચાન્સ લેવાની ગેમ હોવાથી આ એક ગેમબ્લિંગ એટલે કે જૂગાર છે.
દરમિયાન, સરકારે એવી રજૂઆત કરી છે કે, આ સ્કીલ અને નોલેજની ગેમ છે. પરંતુ ગેમ્સ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરૂં પાડતાં લોકોને આ અરજીમાં પક્ષકાર બનાવાયા નથી. સુમિત પ્રજાપતિ નામના અરજદારે અદાલત સમક્ષ ઓનલાઈન ગેમના સ્ક્રીન શોટ્સ પણ રજૂ કર્યા. જેમાં કેવા સવાલો પૂછવામાં આવે છે, તેની પણ અદાલતને જાણ કરી.
ગેમ ઓપરેટર દ્વારા પૂછવામાં આવતાં સવાલો એ જૂગારનો એક પ્રકાર છે. તેમાં ક્રિકેટમાં ભારત જિતશે કે હારશે ? અથવા, ચૂંટણીમાં વડાપ્રધાન કોણ બનશે ? તેવા સવાલો પર નાણાં રોકવામાં આવે છે. બહુચર્ચિત અને નવી રિલીઝ થયેલી ફિલ્મ હીટ થશે કે નહીં, તેના પર લોકો પોતાનો મત વ્યક્ત કરે છે અને હારજિત નક્કી થાય છે. જે જૂગારનો એક પ્રકાર છે. તેથી આવી ગેમ બનાવનાર કંપનીઓ વિરુદ્ધ કાયદા અનુસાર પગલાંઓ લેવા અને પ્રતિબંધ લગાવવા અરજદારે આ અરજીમાં દાદ માંગી છે.
આ સુનાવણી દરમિયાન વડી અદાલતે એમ પણ કહ્યું કે, પહેલાંના સમયમાં માહિતીઓ મેળવવાના માત્ર બે રસ્તા હતાં. દૂરદર્શન અને અખબાર એમ બે જ વિશ્વસનીય માહિતી સ્ત્રોત હતાં. હવે આધુનિક સમયમાં માહિતીઓ મેળવવાના નવા માર્ગો પણ ખૂલ્યા છે. તેથી આવી ગેમ માહિતીઓ મેળવવાનો સ્ત્રોત ગણી શકાય. ત્યારે, અરજદારે કહ્યું: મોબાઈલમાં આવી ગેમ બાળકો પણ રમે છે અને તેમને લત લાગે છે.