Mysamachar.in-ગાંધીનગર:
ભૂપેન્દ્ર પટેલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ ઓફિસે મોડા આવશે અથવા સાંજે વહેલાં નીકળી જશે, એમનું હવે આવી બનશે. સરકાર ‘લેટલતીફો’ પ્રત્યે હવે કૂણું વલણ અખત્યાર કરશે નહીં.
સરકારના આ પરિપત્રમાં જણાવાયું છે કે, અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે 10:40 પહેલાં કચેરીમાં હાજર થવાનું રહેશે. અને, સાંજે 06-10 પહેલાં આ અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડી શકશે નહીં. આમ તો ઓફિસ આવવાનો સમય 10-30 નો છે પરંતુ ટ્રાફિક જેવા કારણોસર તેમાં 10 મિનિટની છૂટ આપવામાં આવી છે.જે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ એક મહિના દરમ્યાન 3 વખત મોડા પડશે અથવા સાંજે વહેલાં નીકળી ગયાનું માલૂમ પડશે, તેમનો તે દિવસ પૂરતો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર તથા હાજરી માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ શરૂ કરાયો પરંતુ આ અમલ માત્ર અમુક સરકારી કચેરીઓમાં જ થયો. બાકીની કચેરીઓમાં ‘રામરાજ’ ચાલી રહ્યું છે, એવી જાણકારીઓ મળતાં સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે. જો કે એ પણ ઉલ્લેખનિય છે કે, અગાઉના સમયમાં પણ આ પ્રકારનો પરિપત્ર જાહેર થયેલો. પછી પણ સ્થિતિઓમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતી. આથી સરકારે ફરી પરિપત્ર બહાર પાડી સાથે એમ પણ જાહેર કર્યું કે, જે અધિકારીઓ અને કર્મચારીઓ એક મહિનામાં 3 વખત નિયમભંગ કરશે તેઓ દંડાશે તો ખરા જ, પણ જો તેઓ તો પણ સુધરશે નહીં તો એમની વિરુદ્ધ શિસ્ત સંબંધિત નિયમો અંતર્ગત પગલાંઓ પણ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનું આ ‘લેટલતીફપણું’ આખા રાજ્યમાં માથાનો દુ:ખાવો બન્યું છે. આથી સરકારની બદનામી થઈ રહી હોય, સરકાર આ બાબતે હવે કોઈ બાંધછોડ કરશે નહીં તેમ જાણવા મળે છે.(file image)
