Mysamachar.in-ગાંધીનગર:
સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જો હવે વિદેશ પ્રવાસ કરવો હશે તો ચોક્કસ પદ્ધતિમાંથી પસાર થઇ અને બાદમાં સરકાર જો NOC આપશે તો જ વિદેશ પ્રવાસ શક્ય બનશે, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જારી કરી અને NOC સાથે વિદેશ પ્રવાસ કઈ રીતે થઇ શકે તેના નિયમો જાહેર કરી દીધા છે.એટલે કે હવે કોઈપણ સરકારી અધિકારીઓ કર્મચારીઓને વિદેશ પ્રવાસ કરવો હશે તો ઓનલાઈન NOC લેવા સહિતની ચોક્કસ પ્રક્રિયામાંથી પાસ થયા બાદ જો NOC મળશે તો જ વિદેશ પ્રવાસે જઈ શકાશે તે વાત આ પરિપત્ર સામે આવતા નિશ્ચિત બની ચુકી છે.
કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન હેઠળ અરજી કરવાની રહેશે. જે તારીખથી રજા પર ઉતરવાનું હોય તેના નિયત કરેલા સમય પહેલા જ એપ્લિકેશન કરી દેવી પડશે મોડેથી કરેલી અરજી પણ માન્ય ગણવામાં નહીં આવે. મહત્વનું છે કે રાજ્યના કેટલાક જિલ્લાની સરકારી સ્કૂલોમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરીયાદ ઉઠતા તપાસ દરમ્યાન અનેક શિક્ષકો લાંબી રજા પર ગેરહાજર હોવાની વિગતો સામે આવી હતી.. શિક્ષણ વિભાગ દ્વારા લાંબી રજા પર ઉતરેલા તમામ શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી હતી જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી.