Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં વીજતંત્ર મોટી નુકસાની કરે છે. વીજચોરી અને વીજવહન દરમિયાન થતો ‘લોસ’ કરોડો રૂપિયાનો છે ! અને આ નુકસાની સરવાળે પ્રમાણિક વીજગ્રાહકોએ ઉંચા વીજદરના રૂપમાં ચૂકવવી પડે છે. આ નાણાંબોજ વીજળીને મોંઘી બનાવી રહ્યો છે. નજીકનાં ભવિષ્યમાં લોકોને આ મુદ્દે રાહતની શક્યતા છે. કારણ કે, વીજતંત્ર હવે સ્માર્ટ બનવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેથી વીજલોસ નિયંત્રિત કરી શકાશે.
રાજય સરકારે 60 લાખ પ્રિપેઈડ સ્માર્ટ વીજમીટરનો ઓર્ડર આપી દીધો છે. આ સ્માર્ટ વીજમીટરનો ઉપયોગ શરૂ થતાં જ મોબાઈલ માફ્ક ગ્રાહકોએ પાવર બેલેન્સ ખરીદવી પડશે. પ્રથમ તબક્કામાં જો કે આ સ્માર્ટ વીજમીટર સરકારી કચેરીઓમાં લગાડવામાં આવશે. બાદમાં બધી ખાનગી મિલકતોમાં પણ આ પ્રિપેઈડ સ્માર્ટ વીજમીટર લગાડી દેવામાં આવશે. સરકારી કચેરીઓ, કોર્પોરેશનમાં વગેરે સ્થળોએ સ્માર્ટ વીજમીટર લગાડી વીજમીટરોની કાર્યક્ષમતા, એકયુરેસી વગેરે ચેક કરવામાં આવશે. બાદમાં, બીજા તબક્કામાં આ સ્માર્ટ વીજમીટર રહેણાંક મકાનોમાં લગાડવામાં આવશે. વીજચોરી પર મોટેભાગે નિયંત્રણ આવી જશે, એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં આ પ્રકારના વીજમીટર મોટાં શહેરોમાં જ લગાડવામાં આવશે.
બધે જ સ્માર્ટ વીજમીટર લગાડી દીધાં પછી તેનું વેબબેઈઝ મોનિટરીંગ થશે. તેથી વીજબચત પણ થશે. પાવર સેક્ટરમાં આ મહત્વનો સુધારો પૂરવાર થશે. હાલમાં વીજબિલોની વસૂલાતમાં પણ ઘણાં પ્રકારની ખામીઓ જોવા મળી રહી છે. તે પણ દૂર કરી શકાશે. વીજલોસ થતો હોય તેવાં ચોક્કસ વિસ્તારોને, લોસપોકેટને અલગ તારવી શકાશે. આ ઉપરાંત ગ્રાહકો પણ પોતાનો વીજવપરાશ પ્લાન બનાવી શકશે. જેને કારણે વીજતંત્ર પોતાના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન (ટી એન્ડ ડી) લોસને પણ ઘટાડી શકશે. આ આધુનિકરણ ઘણી બધી રીતે ઉપયોગી પૂરવાર થશે.
કેટલાંક વીજગ્રાહકોને તંત્ર તરફથી વધુ રકમનાં બિલો મળી રહ્યા છે તે સમસ્યા દૂર થશે. ઘણાં કિસ્સાઓમાં ઓન પેપર વીજજોડાણ રદ્ હોય છે અને ત્યાં વીજચોરી ચાલતી હોય છે ! એ પણ બંધ થશે. રાજયની વીજકંપનીઓ અને એનર્જી એફિસ્યન્સી સર્વિસ લિમિટેડ કંપનીએ એક જોઈન્ટ વેન્ચર (ભાગીદારી કંપની) બનાવ્યું છે, જે હાલ આ ક્ષેત્રમાં રાજ્યભરમાં આધુનિકરણ માટે કાર્યરત છે.
સ્માર્ટ વીજમીટર પદ્ધતિ અમલમાં આવતાં સરકાર સ્માર્ટ ગ્રીડ સિસ્ટમ ડેવલપ કરી શકશે. અને સ્માર્ટ ગ્રીડ સિસ્ટમ અમલમાં આવતાં, ચોવીસેય કલાક એકધારો વીજપૂરવઠો સૌને પ્રાપ્ય થઇ શકશે. ભારત સરકાર ઈચ્છે છે કે, માર્ચ-2025 પહેલાં દેશભરમાં ઓછામાં ઓછાં 25 કરોડ રહેણાંક મકાનોમાં સ્માર્ટ વીજમીટર પ્રથા અમલી બને. જેનાં ભાગરૂપે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા ઝડપથી આગળ વધારવા સરકાર કાર્યરત હોવાનું જાહેર થયું છે.