Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલ ‘વિધવાની વાડી’ છે ? અહીં આખલાઓ ભેલાણ કરતાં હોય એવા કિસ્સાઓ વારંવાર બહાર આવી રહ્યા હોય, આ પ્રકારનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. જીજી હોસ્પિટલમાં સરકારના નાણાંની જે લેતીદેતીઓ થાય છે, તે આર્થિક વ્યવહારો પર જીજી હોસ્પિટલના કોઈ સરકારી અધિકારીની દેખરેખ નથી હોતી ? અહીં વારંવાર સરકારી નાણાંની ઉચાપતો શા માટે થઈ રહી છે ?! કે, હમામમેં સબ નંગે- એ કહેવત અહીં બંધબેસતી છે ?! સરકારી નાણાંની ઉચાપતનો એક વધુ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. લોકોને એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે, પોલીસ સુધી ન પહોંચતું હોય એવું અહીં કેટલું ચાલતું હશે ?!
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના RMOએ 2 શખ્સો વિરુદ્ધ સરકારી નાણાંની ઉચાપત અને સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સમય અગાઉ પણ સરકારના લાખો રૂપિયાની ઉચાપતનો મામલો પોલીસમાં નોંધાયો છે. જેની એક મહિલા આરોપીને પકડી લેવામાં હજુ સુધી સફળતા મળી નથી, ઉચાપતના નાણાંની રિકવરી પણ થઈ નથી ત્યાં તો ઉચાપતની બીજી FIR થઈ ! જીજી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપત બિઝનેસ બની ગયો છે ! એવી હાલત જોવા મળી રહી છે.
હાલની ફરિયાદ અહીંની વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર એજન્સી એમ.જે.સોલંકીના સેનેટરી ઈન્સ્પેક્ટર મકસુદ પઠાણ તથા જીજી હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા વિરુદ્ધ છે. આ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર કંપનીનો એક કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી નોકરી પર ન આવતો હોવા છતાં, રાજેન્દ્રસિંહ જાડેજાએ તેની ખોટી હાજરી પૂરી…અને મકસુદ પઠાણે હાજરીપત્રકમાં આ ગેરહાજર કર્મચારીની હાજરી સંબંધે સહી કરી, કિશન ગઢવીનો દર મહિનાનો પગાર પોતાના ખિસ્સામાં સેરવી લીધો. આવું 7-7 મહિના સુધી ચાલ્યું ! આ બંને શખ્સો ભાગીદારીમાં ઉચાપત કરતાં હતાં. આ ઉચાપતની રકમ રૂ. 89,873 જીજી હોસ્પિટલની વહીવટી કચેરીમાં મંજૂર પણ થઈ જતી હતી !
-આ મામલામાં મહત્વપૂર્ણ મુદ્દા આ રહ્યા…
આ મામલાના ફરિયાદી ડો. પ્રમોદ સકસેના જીજી હોસ્પિટલના જવાબદાર તબીબી અધિકારી છે. તેઓ ખુદ જણાવે છે કે, અહીં કર્મચારીઓના જે પગારબિલ બને છે તે કોન્ટ્રાક્ટર એજન્સી એમ.જે.સોલંકી તથા જીજી હોસ્પિટલની વહીવટી કચેરી દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે.
અત્રે પ્રશ્ન એ ઉભો થઈ શકે કે, બબ્બે જગ્યાઓ પર જો પગારબિલના વેરીફિકેશન થાય છે તો પછી, ઉચાપત કેવી રીતે થાય છે ? વેરીફિકેશન ભરોસા આધારીત હોય છે કે કેમ ? વેરીફિકેશન અધિકારી સહી કેવી રીતે કરી આપે છે ?! અને, બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે, આ મામલો ત્યારે છેક ઝડપાયો જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિએ તંત્ર સમક્ષ તથા પોલીસ સમક્ષ અરજી કરી. થોડીવાર માટે ધારી લો કે, આ અરજી ન થઈ હોત તો આ કુંડાળુ આજે પણ ચાલતું હોત ?! અને હાલ પણ જે બાબતોમાં અરજીઓ નથી થતી ત્યાં કુંડાળાઓ અને કૌભાંડો ચાલે છે કે બધું કાયદેસર ચાલે છે- તે પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે ?
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કોન્ટ્રાક્ટર એજન્સી જીજી હોસ્પિટલ ખાતે વર્ષોથી વિવાદાસ્પદ છે, છતાં આ કંપનીના વિવિધ કોન્ટ્રેક્ટ અહીં કોની કૃપાથી મંજૂર થઈ રહ્યા છે ?! એ પણ સંવેદનશીલ બાબત છે. જીજી હોસ્પિટલ સંબંધિત સરકારી નાણાં પૈકી એક પણ રૂપિયાની ઉચાપત કે છેતરપિંડીઓ કે વેડફાટ ન થાય- એ જોવાની જવાબદારીઓ કોની છે ? એ નામ પણ જાહેર થવું જોઈએ તો લોકોને ખ્યાલ આવે કે, કોની નબળાઈઓથી જીજી હોસ્પિટલમાં આ પ્રકારના કુંડાળાઓ ધમધમી રહ્યા છે.