Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બેત્રણ દાયકાઓથી જમીનોના અબજો રૂપિયાના વેચાણ અને વેપારથી કોઈને, ક્યાંય, કશું જ અચરજ થતું નથી, કેમ કે આ વેપાર સૌને કોઠે પડી ગયો છે. પરંતુ ખેતીની જમીનો ગુમાવનારા ખેડૂતોને, હવે સમજાયું છે કે, આ ખેલ તો અનોખો છે, આમાં આપણને નુકસાન જાય છે, આપણી જમીન વેચીને સરકાર કરોડો રૂપિયા કમાઈ રહી છે. અને આ મામલે સૌરાષ્ટ્રમાં વિરોધ ઉઠવાની શરૂઆત પણ થઈ ગઈ છે, અને એ પણ બરાબર ચૂંટણીઓ અગાઉ.
સૌરાષ્ટ્રમાં ખેડૂત હિતરક્ષક સમિતિ કહે છે: ગુજરાતમાં શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મુસદ્દારૂપ નગરરચના યોજનામાં ખેડૂતો અને જમીનધારકોની 40 ટકા જમીનો TP સ્કીમના નામે, જાહેર હેતુઓ માટે સરકાર દ્વારા કાપી લેવામાં આવે છે, આ જમીનોનું કોઈ જ વળતર આપવામાં આવતું નથી. તેમજ આ જમીન પર વિકાસકામ માટે ખેડૂતો પાસેથી નાણાં વસૂલવામાં આવે છે. વિના વળતરે ખેડૂતો પાસેથી જમીન મફતમાં લીધાં બાદ અને આ જમીન માટે ખેડૂતો પાસેથી નાણાં લીધાં બાદ, આ મફતમાં મળેલી જમીનોનો સરકાર કરોડો રૂપિયાનો વેપાર કરતી હોવાનો આક્ષેપ કરીને ખેડૂતોએ આ સમગ્ર પ્રોસેસનો વિરોધ કર્યો છે.
સમિતિએ CM સમક્ષની આ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર કોઈ પણ યોજના હેઠળ આ જમીનોની કપાત કરે તો તેનું વળતર ચૂકવવું, આવી જમીનો પર વસૂલવામાં આવતો વિકાસ ખર્ચ વસૂલવાનું બંધ કરવું, દરેક ખેડૂત અને જમીનધારકોને તેમના ફાઈનલ પ્લોટ પોતાની મૂળ જગ્યાએ સ્થળ પર ડીમાર્ક કરી માપણીશીટ બનાવવી, આ મુદ્દાઓ અંગે સરકાર દ્વારા કાર્યવાહીઓ કરવામાં નહીં આવે તો, ખેડૂતો અને જમીનધારકોએ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પણ મુસદ્દારૂપ નગરરચના યોજનાના વિરોધમાં ખેડૂતો અને કિસાનસંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ રેલી યોજી આવેદનપત્ર પણ આપેલું, આમ છતાં સરકાર દ્વારા આ પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.