Mysamachar.in:રાજકોટ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને કારણે એક તરફ સમગ્ર રાજ્યમાં લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અધિકારીઓથી માંડીને નેતાઓ સુધી સૌ ફફડી રહ્યા છે. બીજી તરફ, આ ભયાનક અગ્નિકાંડની તપાસની અને કાર્યવાહીઓની પધ્ધતિ પ્રત્યે લોકો માનની દ્રષ્ટિએ જોઈ રહ્યા નથી. આરોપીઓને ચોક્કસ પ્રકારની અનુકૂળતા મળી રહી હોવાની સ્થિતિને કારણે, લોકો તપાસ કાર્યવાહીઓને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે.
અગ્નિકાંડ તપાસ દરમિયાન જાહેર થયું કે, ગેમઝોનના માલિકો પૈકીનો એક મહત્ત્વપૂર્ણ આરોપી અગ્નિકાંડમાં માર્યો ગયો છે. લોકો તો આ સમાચારને પણ શંકાની દ્રષ્ટિએ જૂએ છે. ત્યારબાદ અમુક કલાક પછી જાહેર થયું કે, આ અગ્નિકાંડની તપાસ માટે અતિ મહત્ત્વની એવી એક ફાઇલ ગૂમ થઈ ગઈ. આ સમાચારથી લોકોની શંકાઓ મજબૂત થઈ. ત્યારબાદ ત્રીજા સમાચાર એ આવ્યા કે, અદાલતમાં મુખ્ય આરોપી સમાન એક અધિકારી પોતાનો બચાવ, એક સરકારી ફાઇલના આધારે કરી રહ્યો છે. જે અધિકારી 80 કલાકથી સિટ અને ક્રાઈમ બ્રાન્ચના કબજામાં હોય, જેની પાસેથી ત્રણ દિવસ અગાઉ જ તેના હોદાનો ચાર્જ આંચકી લેવામાં આવ્યો હોય, એ આરોપી અધિકારી પાસે અદાલતમાં પોતાના બચાવ માટે સરકારી ફાઇલ કયાંથી આવી ? આ ફાઇલ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે આપી .? સિટ એ આપી.? આ આરોપી અધિકારીને ક્રાઈમ બ્રાન્ચની કચેરીએથી અદાલતમાં લાવવામાં આવ્યો ત્યારબાદ આ ફાઇલ, અદાલતમાં આરોપી અધિકારી પાસે આવી કેવી રીતે ? આવું સાહિત્ય તો કાં ઓફિસમાં હોવું જોઈએ અથવા તપાસ ટૂકડી સિટ પાસે હોવું જોઈએ. તેને બદલે આરોપી પાસે, અને એ પણ આરોપીના બચાવ માટે.
આ બાબતને અદાલતે ખૂબ ગંભીર લેખાવી સરકાર પક્ષને પૂછી લીધું, આ ફાઇલ આરોપી પાસે કયાંથી આવી ?! લઈ લો એ ફાઇલ. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી અધિકારી અને તેનો વકીલ આ સંવેદનશીલ ફાઇલના આધારે અદાલતમાં પોતાનો બચાવ કરી રહ્યા હતાં. અદાલતે પોલીસને ખખડાવી.
રાજકોટ ક્રાઈમ બ્રાંચ તથા સિટના અધિકારીઓને બાદમાં પત્રકારોએ આ ફાઇલ અંગે પ્રશ્નો કર્યા. અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું. શરૂઆતથી જ એવું વાતાવરણ જોવા મળે છે કે, આ ભયાનક અગ્નિકાંડના આરોપીઓ માટે કોઈ અદ્રશ્ય તાકાત ‘અનુકૂળતા’ સર્જી રહ્યું છે. જો કે પ્રચાર પ્રસાર માધ્યમોની જાગૃતિને કારણે તંત્રોની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી રહી છે. જે બનાવમાં આટલાં બધાં નિર્દોષ લોકો ભડથું થઈ ગયા હોય, તેની તપાસ તથા અદાલતી કાર્યવાહીઓમાં આ પ્રકારની સ્થિતિને મીડિયામાં અતિ ગંભીર લેખવામાં આવી રહી છે. અદાલતે આ ફાઇલ સંબંધે કઠોર વલણ અખત્યાર ન કર્યું હોત તો ?! એ પ્રશ્ન ઓછો સંવેદનશીલ છે ??