Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિએ એક મહત્વપૂર્ણ પગલાં તરીકે રૂ. 4 કરોડના ખર્ચે શહેરમાં, અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવા માટે 2 સ્કૂલનું નિર્માણ કર્યું છે અને જાહેર કરી દીધું છે કે, આ શૈક્ષણિક વર્ષથી જ આ બંને સ્કૂલ કાર્યરત થઈ જશે. રાજ્ય સરકારે ગત્ 31મી મે ના દિવસે આ બંને નવી સ્કૂલને મંજૂરીઓ આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં Mysamachar.in દ્વારા આ સ્કૂલો શરૂ થવા અંગેના સમાચારમાં જણાવ્યું હતું કે, આ સ્કૂલો તૈયાર થઈ ગઈ છે પરંતુ સરકાર તરફથી હજુ મંજૂરીઓ મળી નથી. આ સમાચાર બાદ તરત જ જાહેર થયું છે કે, સરકારે હવે આ બંને સ્કૂલને મંજૂરીઓ આપી દીધી.

આજે સોમવારે સવારે Mysamachar.in દ્વારા આ બાબતે શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, આ બંને સ્કૂલોને મંજૂરીઓ મળી ગઈ હોય, વર્તમાન જૂન માસમાં શાળાઓમાં વેકેશન પૂર્ણ થશે એ પહેલાં આ બંને સ્કૂલ માટે શૈક્ષણિક સહિતના સ્ટાફની નિમણૂંક કરી લેવામાં આવશે અને બાળકોને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાઓ આટોપી લેવામાં આવશે. એમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં આ બંને સ્કૂલમાં બાલવાટિકા અને ધોરણ 1 તથા 2 ના વર્ગ શરૂ કરવામાં આવશે. બાદમાં વર્ગવધારો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ 2 સ્કૂલ પૈકીની એક સ્કૂલ એસટી ડેપો નજીક દેવરાજ દેપાળ તરીકે ઓળખાતા બિલ્ડીંગમાં અને બીજી સ્કૂલ સોનલનગર વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી સરકાર દ્વારા આ બંને સ્કૂલમાં સ્ટાફ વગેરેની ફાળવણી થશે નહીં ત્યાં સુધી આ બધી જવાબદારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંભાળશે.