Mysamachar.in-અમદાવાદ:
શિક્ષણ આજના જમાનામાં કસદાર ધંધો બની ચૂકયું હોય, ઘરાક પોતાની સંસ્થાનું પગથિયું ચડે એ માટે અવનવી લાલચોનું બજાર લાલચોળ તેજીમાં રહે છે, અને છાત્રો અથવા વાલીઓને ભરમાવતી અને ચકરાવે ચડાવતી જાહેરાતો રાતદિવસ ઘરાકોના માથે ઝીંકાતી રહે છે. જો કે હવે આ દિશામાં સરકાર અમુક અંશે કડક બનતી નજર આવી રહી છે, કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ મોકલાવી છે અને અમુક સંસ્થાઓને તો દંડ પણ કર્યો છે અને આવી લોભામણી જાહેરાતો પર નિયંત્રણ પણ મૂકયું છે.
ગ્રાહક સુરક્ષા નિયંત્રક સંસ્થાએ આ માટે ડ્રાફ્ટ ગાઈડલાઈન જાહેર કરી છે. આ માર્ગદર્શિકા કોચિંગ સંસ્થાઓની છાત્રો તથા વાલીઓને ગેરમાર્ગ દોરતી જાહેરાતો પર નિયંત્રણ રાખી શકશે, જો તેનો સ્થાનિક સ્તરે અસરકારક અમલ થશે તો.
આ નિયંત્રક ઓથોરિટીએ કહ્યું છે કે, કોચિંગ સંસ્થાઓ ઉમેદવારોની સફળતાના દર અંગે પોતાની જાહેરાતોમાં ખોટાં દાવા પણ કરતી હોય છે, તેના પર અંકુશ લગાવવાનો આશય છે. ગ્રાહક બાબતોના કેન્દ્રીય સચિવ રોહિતસિંહે જણાવ્યું કે, આ ડ્રાફ્ટ ગણતરીના દિવસોમાં મંજૂર કરી તેનો દેશભરમાં અમલ કરાવવામાં આવશે. આ નિયમો ઓનલાઈન અને ઓફલાઈન બધી જ કોચિંગ સંસ્થાઓને લાગુ પડશે. તમામ પ્રકારની આ જાહેરાતોને આ નિયમોના સ્કેનર હેઠળ ચકાસવામાં આવશે.
સફળ ઉમેદવારોએ પસંદ કરેલ વિનામૂલ્યે અથવા પેઈડ કોર્સ સહિતની તથા ચોક્કસ સમયગાળો દર્શાવતી તમામ જાહેરાતોને આ નિયમો હેઠળ આવરી લેવામાં આવી છે. કોચિંગ સંસ્થાઓ સફળતા દર અથવા પસંદગીની સંખ્યા સહિતની વિગતો જાહેરાતોમાં દર્શાવી શકશે નહીં, કેમ કે આ જાહેરાતો છાત્રો અથવા વાલીઓને પ્રભાવિત કરતી હોય છે અને આ લોકોના મનમાં ગેરસમજો ઉભી કરતી હોય છે.
જાહેરાતોમાં સફળ ઉમેદવારોના ફોટા દર્શાવવામાં આવે ત્યારે તેનો રેન્ક, કોર્સનો કુલ સમય, કોર્સની ફી અથવા કોર્સ વિનામૂલ્યે છે કે કેમ વગેરે વિગતો જાહેરાતોમાં દર્શાવવાની રહેશે. કોચિંગ સંસ્થાઓ 100 ટકા પસંદગી અથવા 100 ટકા નોકરીની ગેરંટીઓ અથવા ફલાણી પરીક્ષાઓમાં પાસ થવાની ગેરંટીઓ એવા દાવા જાહેરાતોમાં કરી શકશે નહીં.
છાત્ર અને શિક્ષણ સંબંધિત વિગતો સ્પષ્ટ અને મોટાં અક્ષરે લખવાની રહેશે. જાહેરાત અને વખાણની વાતો નિયમિત સાઈઝના અક્ષરોમાં દર્શાવવાની રહેશે. સરકારે શોધી કાઢયું છે કે, સફળ છાત્રો અને ઉમેદવારોની જાહેરાતોમાં આવશ્યક વિગતો નાના અક્ષરોમાં હોય છે અથવા આવી વિગતો જાહેરાતોમાં છૂપાવવામાં આવે છે. જાહેરાત પારદર્શક હોવી જોઈએ. ભ્રામક જાહેરાતો બદલ 31 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે, અને આવી 9 સંસ્થાઓને દંડ પણ કરવામાં આવ્યો છે.