Mysamachar.in-ગાંધીનગર:
ખાનગી શાળાઓ બાદ રાજ્યભરમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર સકંજો સરકાર તૈયારીઓ કરી રહી છે, ગુજરાતમાં ખાનગી ટ્યુશન સંચાલકોની મનમાની અને વધતી જતી ફી પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકારે કાયદો બનાવવાની તૈયારી શરૂ કર્યાનું જાહેર થયું છે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગે એક કમિટીની રચના કરી હોવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ રાજ્ય સરકાર ખાનગી ટ્યુશન સંચાલકો માટે નિયમન કાયદો લાવવા જઈ રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી છે કે આ મુદ્દે કાયદાની રચના માટે 8 સભ્યોની ખાસ કમિટી બનાવવામાં આવી છે.
શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ બનેલી આ કમિટી 19 સપ્ટેમ્બરે નિમવામાં આવી છે. કમિટીનું મુખ્ય કામ ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલન માટે કાયદાકીય માળખું તૈયાર કરવાનો રહેશે. વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, કમિટીમાં નિષ્ણાંત વ્યક્તિઓને પણ સામેલ કરવામાં આવશે. જેથી કાયદો વ્યવહારિક અને યોગ્ય બને. કમિટી ટ્યુશન વ્યવસ્થાના તમામ પાસાંઓનો અભ્યાસ કરીને કાયદાના મુખ્ય મુદ્દાઓ તૈયાર કરશે અને રાજ્ય સરકારને અહેવાલ રૂપે રજૂ કરશે.
આમ સરકાર હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર અંકુશ લાવવા માટે ગંભીર છે. ગુજરાત સરકારનું આ પગલું શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વનો સુધારો લાવવાની સંભાવના ધરાવે છે. કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો કાયદો ખાનગી ટ્યુશન સંચાલકો માટે કેવી માર્ગદર્શિકા તૈયાર કરે છે તે આગામી સમયમાં જાહેર થશે.(symbolic image)