Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ખેતીમાં અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે, ખેડૂતો વાવણીલાયક જમીનો પૈકી મગફળી અને કપાસ એમ બે મુખ્ય પાકો માટે લગભગ સરખી જમીન પર વાવેતર કરતા હતાં પરંતુ છેલ્લા 2 વર્ષથી આ પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ખેતીવાડી વિભાગના આંકડાઓ જણાવે છે કે, હવે જિલ્લામાં મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે અને કપાસ બહુ ઓછાં ખેડૂતો વાવે છે. મગફળીમાં ખેડૂતોને મોટો ફાયદો છે, કપાસ હવે કસદાર રહ્યો નથી.
આ વર્ષે અત્યાર સુધીમાં મગફળીનું વાવેતર કુલ જમીન પૈકી 2.24 લાખ હેક્ટર જમીન પર મગફળીનું વાવેતર છે. જ્યારે કપાસનું વાવેતર માત્ર 86,000 હેક્ટર જમીન પર જ થયું છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા 2 વર્ષથી જામનગર જિલ્લામાં કપાસનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરી રહ્યા છે.
-ખેતીવાડી અધિકારીએ કહ્યું કે…
આજે સવારે આ વાવેતર પેટર્ન અંગે Mysamachar.in દ્વારા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. એમના કહેવા મુજબ, 2 વર્ષથી વરસાદ સારો પડી રહ્યો છે, પિયતની સુવિધાઓ વધી છે, તેથી મગફળીનું વાવેતર સારૂં એવું થઈ રહ્યું છે. આ ઉપરાંત સરકાર દ્વારા મગફળી ખરીદીમાં ટેકાના ભાવ સારાં આપવામાં આવી રહ્યા છે. આ સાથે એક બાબત એ પણ છે કે, મગફળી વાવવાથી મગફળી ઝડપથી ઉપાડી લીધાં બાદ તે જમીન પર અન્ય પાક લેવાનો ખેડૂતને સમય મળે છે. તેની સામે સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદીમાં કપાસના બહુ ઉંચા ભાવ આપવામાં આવતા ન હોય, મોટાભાગના ખેડૂતો કપાસને બદલે મગફળીનું વાવેતર કરવું વધુ પસંદ કરી રહ્યા છે.
