Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એવા લાખો મકાનો છે જે જર્જરિત છે, હાઉસિંગ બોર્ડની માલિકીના છે, આ મકાનો તોડી પાડવા નોટિસ આપવામાં આવે છે, આ જોખમી મકાનોમાં લાખો ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરે છે અને તેઓ એકમાત્ર આશરો છીનવાઈ જવાની ચિંતાઓનું માનસિક અને આર્થિક દબાણ અનુભવી રહ્યા છે. આ લાખો પરિવારો માટે સુખનો સૂરજ ઉગાડવા સરકાર પ્રયાસ કરી રહી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. આ માટેની હાલની રિ-ડેવલપમેન્ટ પોલિસીમાં આવી રહેલી અડચણો દૂર કરવા સરકાર પ્રયત્નશીલ છે.
આ લાખો જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા રિ-ડેવલપમેન્ટ પોલિસી હાલ અમલમાં છે પરંતુ તેમાં બિલ્ડર્સ અને ડેવલપરને ખાસ કશો ફાયદો થતો ન હોય, આ ધંધાર્થીઓ તેમાં રસ નથી લેતાં, આથી વારંવાર ટેન્ડર જાહેરાત છતાં કોઈ એજન્સીઓ આ કામ હાથમાં લેતી નથી અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા આ જર્જરિત મકાનોના રહીશોને મકાનો ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવતી હોય, લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો સતત ટેન્શન અનુભવી રહ્યા છે. આ સ્થિતિનો હલ શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે.
આ પ્રકારના જર્જરિત મકાનોમાં રહેતાં પરિવારો નવા મકાનોના માલિક બની શકે, તે દિશામાં હાઉસિંગ બોર્ડ આગળ વધી રહ્યું છે. આ રહેણાંકોના માલિકી હક્કના અને દસ્તાવેજ ન થઈ શકવાના પ્રશ્નો પણ હલ થશે. આ પ્રકારની સોસાયટીઝ અને કોલોનીમાં સાંકડા રોડ હોવાથી ઉંચી નવી ઈમારતો બનાવવી હાલ શક્ય નથી. પરંતુ તેમાં ફેરફાર આવશે. તેથી સરકાર હવે આ જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા, બિલ્ડર્સને નવા મકાનો બનાવવા આકર્ષવા અને હાલના મકાનોના કબજેદારોને નવા મકાનોના માલિક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આથી હાલની નોટિસ પ્રક્રિયાઓ પણ ધીમી પડી જશે. લાખો પરિવારોનો ઉચાટ શમી જશે એવું હાલ દેખાઈ રહ્યું છે.(ફાઈલ તસ્વીર)