Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા સમયગાળા દરમિયાન લોકોને ઓનલાઇન ટ્રાન્જેક્શન તેમજ વિવિધ પ્રકારના આવા વ્યવહારો બાબતે સાવચેત રહી અને જાગૃતિ કેળવવાની અપીલ સાથેના અભિગમ વચ્ચે અનેક આસામીઓ અજાણતા આવા સાયબર ઠગનો ભોગ બનતા હોય, સાયબર સેલ વિભાગ દ્વારા અનેક આસામીઓને તેઓની પુંજી પરત અપાવવા માટેની નોંધપાત્ર સફળતા મેળવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અભિષેકકુમાર દુબે નામના આસામીને ઘર બેઠા પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને ઓનલાઈન શોપિંગ સોલ્યુશન અને ડેટા ચોકસાઈ સાથે વેચાણ કરવામાં મદદરૂપ કરવા બદલ તેઓને આપેલા પ્રોડક્ટ પર સારો નફો મળવા અંગેની લાલચ આપીને ઉપરોક્ત આસામીને સાયબર ઠગ દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જેના પ્રારંભે પ્રોડક્ટ પર નફો મળ્યા બાદ અભિષેકકુમાર દુબેને આ એપ્લિકેશન પર વિશ્વાસ આવી ગયો હતો. તેમના દ્વારા આ પ્રોડક્ટ ખરીદીના અલગ અલગ ટાસ્ક આપી, 16 જેટલા ટ્રાન્જેક્શનો મારફતે રૂપિયા 48.63 લાખની માતબર રકમની છેતરપિંડી થયાનું ખુલવા પામ્યું હતું. આમ, ભોગ બનનાર અભિષેકકુમાર દુબે ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા હોવા અંગેની અરજી જિલ્લા સાયબર સેલ વિભાગને કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના લોકોને સાયબર ક્રાઇમની માયાજાળમાં ફસાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા તત્વો સામે કડક હાથે કામગીરી કરવા અંગેના સંવેદનશીલ અભિગમને ધ્યાને લઈ સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય.બ્લોચની ટીમ દ્વારા આ મુદ્દે ઊંડાણપૂર્વકની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. રૂપિયા 48.63 લાખ જેટલી નોંધપાત્ર રકમની છેતરપિંડી થયાના આ પ્રકરણમાં સાયબર સેલ વિભાગ દ્વારા જે એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા હતા, તે શોધી કાઢી અને આ એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ત્યાર બાદની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતા ભોગ બનનાર આસામીને રૂપિયા 47 લાખથી વધુ નાણાં તેઓને પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બદલ ભોગ બનનાર આસામી દ્વારા સાયબર ક્રાઇમ સેલ વિભાગ સાથે જિલ્લા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.