Mysamachar.in- જામનગર:
જામનગર શહેરમાં ઘરેઘરેથી કચરાનું કલેક્શન કરનાર તથા કચરાપેટીઓ પણ સાથે સાથે ઉપાડી કચરો એકત્ર કરનાર કંપનીઓને આ ચોમાસામાં ‘છબછબિયા’નો આનંદ મળી રહે એ પ્રકારની ગતિવિધિઓ પાર ઉતરી ગઈ છે, અને કેટલાંક લોકોના મતે આ એક પ્રકારની કૃપાનું વરસવું પણ લેખી શકાય કેમ કે, ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટ માટેનું નવું ટેન્ડર હજુ ફાઇનલ થયું નથી. રિ-ટેન્ડર માટેની પ્રક્રિયાઓ હજુ અમુક સમય લેશે, એમ જાણકારો માને છે.
આજે શુક્રવારે જામનગર મહાનગરપાલિકામાં બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં એજન્ડા આઈટમ તરીકે ‘આઠ’ નંબરની આઈટમ એવી છે કે, શહેરના ભાગ નંબર 1 થી 8 માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરીઓ, ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેક્શન અને કચરાપેટી કલેક્શન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાનો જે કોન્ટ્રાક્ટ આપવાનો છે તેમાં સમયગાળો એટલે કે પાંચ વર્ષ કે દસ વર્ષ અને ભાવ સહીતના મુદ્દે વિવાદ થયેલો. બાદમાં દરખાસ્તમાં કેટલીક કવેરી પણ નીકળી અને ત્યારબાદ રિ-ટેન્ડર કરવું એમ નક્કી થયેલું.
માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય થયો કે જ્યાં સુધી આ રિ-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય, નવી કોન્ટ્રાક્ટર એજન્સીઓ નક્કી ન થાય ત્યાં સુધી, હાલની કચરા કલેક્શન માટેની જે એજન્સીઓ કાર્યરત છે તે એજન્સીઓ હસ્તક આ કામગીરીઓ ચાલુ રાખવી, જેથી કચરા નિકાલ સંબંધે કોઈ સમસ્યાઓ ઉભી ન થાય. ટૂંકમાં, વર્તમાન એજન્સીઓ આ ચોમાસામાં ‘છબછબિયા’નો આનંદ આ કામમાં માણી શકશે. આટલી કૃપા હાલ ક્લિયર થઈ ગઈ. જેના માટે ત્રણ માસના ખર્ચ પેટે 900 લાખ મંજુર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે અંદાજે છ માસથી આ એજન્સીઓના ટેન્ડર પૂર્ણ થઇ ગયા હોય મુદત અને ખર્ચ વધ્યે જાય છે. વધુ કેટલાક મહિનાઓ ખખડધજ વાહનોમાં આ પરિવહન ચાલુ રહેશે.!
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ આજની બેઠકમાં એવો પણ નિર્ણય કર્યો કે, શહેરમાં 3 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બની ગયા છે એ રીતે, અન્ય ચાર વિસ્તારોમાં આ પ્રકારના આરોગ્ય કેન્દ્ર બનાવવા આ બાબતે હાલ કમિશનરની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આથી શહેરની આરોગ્ય સુવિધાઓ વધુ વિસ્તૃત થઈ શકશે અને નગરજનોને તેનો લાભ મળી શકશે.(ફાઈલ તસ્વીર)