Mysamachar.in-અમદાવાદઃ
રસ્તા પર જતી મહિલાઓના દાગીના લૂંટતી ટોળી વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ રાજ્યમાં નાગા બાવાની એક એવી ટોળકી સક્રિય થઇ છે જે સરનામું પૂછવાનું બહાનું કરી દાગીના લૂંટી લે છે. એક અઠવાડિયામાં આ મોડસ ઓપરેન્ડીથી ગુનાના બે બનાવો સામે આવ્યાં છે. જેમાં કારમાં ત્રણ શખ્સો આવીને કોઇપણ વ્યક્તિને સરનામું પૂછવાના બહાને વાતોમાં લઇને સોનાના દાગીના પડાવી લે છે. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતાં રાજેન્દ્રપ્રસાદ રાજોરાએ ફરિયાદ આપી છે કે તેઓ શુક્રવારે વહેલી સવારે કાંકરિયા ફ્રી પાર્કિંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં તે દરમિયાન ગ્રે મેટલ કલરની વેગેનાર કાર તેમની નજીક આવી હતી. જેમાં ડ્રાઇવર સીટની બાજુમાં દીગંબરનો વેશ ધારણ કરીને એક શખ્સ બેઠો હતો. જ્યારે પાછળની સીટમાં અન્ય એક શખ્સ બેઠો હતો. બાદમાં આ શખ્સોએ કહ્યું હતું કે આ પ્રખ્યાત સાધુબાવા છે. અહીંયા કોઇ નામચીન ધાર્મિક જગ્યા હોય તો બતાવો. બાદમાં રાજેન્દ્રપ્રસાદે પુનીત આશ્રમ તરફ જવાનો રસ્તો બતાવ્યો હતો. જોકે, આ દરમિયાન આ બાવાએ ફરિયાદીએ પહેરેલું દોઢ લાખની કિંમતનું સોનાનું કડું તેમને બતાવવા માટે કહ્યું હતું. ફરિયાદીએ જેવું સોનાનું કડું આ ગઠિયાને આપતા જ ડ્રાઇવરે પૂરપાટ ઝડપે કાર હાંકી ફરાર થઇ ગયા.
આવી જ બીજી એક ઘટના બની જેમાં નરોડામાં રહેતા કાળીદાસ બારોટે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, રવિવારે સવારે તેઓ સાડા સાતેક વાગ્યાની આસપાસ આદિશ્વર કેનાલથી શાલીન શાળા તરફ જવાના રોડ પર ચાલી રહ્યા હતા. તે દરમિયાન સફેદ કલરની કારમાં ત્રણ શખ્સો આવીને તેમની પાસે કાર ઉભી રાખી હતી. જેમાં ડ્રાઇવર સીટની બાજુમાં 20 થી 25 વર્ષની ઉંમરનો એક શખ્સ બેઠો હતો. જેણે શરીરે કોઇ કપડા પહેર્યા ન હતાં. આ શખ્સએ ફરિયાદીને પોતે સાધુ સંત હોવાની ઓળખ આપી હતી. તેને નરોડા ગામ જવાનું હોવાનું કહીને સરનામું પૂછવા લાગ્યો હતો. ફરિયાદી જ્યારે સરનામું બતાવતા હતા તે દરમિયાન આ કપડા વગરનાં શખ્સે અચાનક જ ફરિયાદીના ગળામાં હાથ નાંખીને તેણે પહેરેલ દોઢ તોલાની ચેઇન તોડીને નવયુગ સ્કુલ તરફ ભાગી ગયા હતાં.આ બંન્ને ઘટનામાં આરોપીઓ નંબરપ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા.
બંને ઘટના પરથી પોલીસને શંકા છે કે આ કોઇ એક જ ટોળકીનું કારસ્તાન છે. અને સવારના સમયનો જ ઉપયોગ કર્યો હોવાની એક જ ગેંગ હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા લોકોની ટોળકી દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવી રહી છે. ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર હોવાનું દેખાઇ રહ્યું છે.