Mysamachar.in-અમદાવાદઃ
કહેવાય છે કે લાલચ બૂરી બલા છે, વધુ પડતી લાલચને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આવું જ બન્યું મૂળ બંગાળના અને અમદાવાદમાં સોના ચાંદીનું કામ કરતાં વેપારી સાથે. ફરિયાદીને અન્ય એક વેપારીએ ‘28 વેપારી ભેગા મળીને 28 મહિના સુધી 1200 ગ્રામ સોનું ભેગું કરીને ડ્રો રાખવાના છે.’ની સ્કીમ આપી 75 લાખની કિંમતનું 1963 ગ્રામ સોનાની છેતરપીંડિ કરી લીધી. સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને અમદાવાદમાં કાલુપુરમાં ગોલ્ડ મેન્યુફેક્ચરિંગની દુકાન ધરાવતા બાનેશ્વર જાનાએ છેતરપીંડિની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે જણાવ્યું કે તેમના જ ગામનો તાપસ મંડલ રતનપોળમાં ભારતી ચેમ્બર્સમાં દાગીના બનાવવાનું કામ કરતો હતો. એક દિવસ તાપસે આવીને કહ્યું હતું કે આપણે 28 વેપારી ભેગા મળીને 28 મહિના માટે 1200 ગ્રામ સોનાનો ડ્રો રાખવાના છીએ. આ સ્કીમમાં બાલેશ્વરે 4 નામ લખાવ્યાં હતાં. જ્યારે તાપસે બીજી 24 સભ્યની 1 કિલો સોનાની સ્કીમ જણાવી હતી, જેમાં બાલેશ્વરે 3 નામ લખાવ્યાં હતાં. આ બંને સ્કીમમાં બાલેશ્વરે 1 વર્ષમાં રૂપિયા 75 લાખનું 1963 ગ્રામ સોનું તાપસ મંડલને આપ્યું હતું. પરંતુ 10 ડિસેમ્બર 2019થી તાપસ દુકાન અને ઘરને તાળું મારી ફરાર થઇ ગયો. તેણે પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી નાખ્યો. બાદમાં બાલેશ્વરે તાપસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.