Mysamachar.in-અમદાવાદ:
સોનાની ચમકને કારણે લોકોને બેંકો અને NBFC સંસ્થાઓ લોન તરીકે નાણાં તો આપી દે છે પણ પછી આ લોનધારકો પૈકી ઘણાં લોનધારકો લોન આપનારને નાણાં પરત ચૂકવી શકતા ન હોય, આ બિઝનેસમાં પણ ‘નાદાર’ લોકોની સંખ્યા વધી રહી છે અને આવી લોન્સ પાછી ન આવવાનો આંકડો તોતિંગ બની રહ્યો છે.
તમે ટીવી ઓન કરો અને કોઈ જાહેરાત ટપકી પડે, સોના સામે આકર્ષક રીતે, ગણતરીની મિનિટમાં લોન એટલે કે, નાણાં મેળવો. આ પ્રકારની જાહેરાત તમે રોડ પર જતી વખતે હોર્ડિંગ પર અથવા ઓટોરિક્ષા પાછળ પણ વાંચતા હશો. પીળો માલ ગીરવે મૂકીને જરૂરિયાત માટે, ધંધા માટે અને પ્રવાસ સહિતના મોજશોખ માટે, લોન્સ લેનારાઓની સંખ્યા લાખો કરોડોમાં છે. અને આવું ગીરવે પડેલું સોનું છોડાવી આપનારા ફાઇનાન્સિયર પણ અસંખ્ય છે- લોન્સ આપનાર બધાં જ મોટો ધંધો કરે છે. તેની સામે આ ક્ષેત્રમાં લોન ડિફોલ્ટ અને છેતરપિંડીઓ પણ વધી છે.
ગોલ્ડ સામે લોન- આ ક્ષેત્રમાં ડિફોલ્ટના પ્રમાણમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. માર્ચ-2024માં ડિફોલ્ટની રકમ (NPA) રૂ. 5,149 કરોડ હતી, જે માત્ર 3 જ મહિનામાં એટલે કે, જૂન-2024માં વધીને રૂ. 6,696 કરોડ થઈ ગઈ. આ આંકડા રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 2021-22ની સરખામણીએ એ પછીના વર્ષ 2022-23 માં ગોલ્ડ લોનની વૃદ્ધિ 14.6 ટકા રહી.
કોમર્શિયલ બેંકોમાં ડિફોલ્ટ વધુ થાય છે. જેનું પ્રમાણ 62 ટકા છે. NBFC માં 24 ટકા લોન્સ ડિફોલ્ટ થાય છે. અર્થતંત્રમાં ધીમાપણું આવ્યું છે. તેથી લોનધારકોની આવક ઘટી અને તેથી લોન્સની પરત ચૂકવણીમાં તકલીફો ઉભી થઈ રહી છે. સોનાના ભાવ વધી ગયા ત્યારે, ગોલ્ડ સામે લોન્સ લેનારની સંખ્યા વધી ગઈ. પછી એવું પણ બન્યું કે, બજારમાં સોનાનો ભાવ નીચો ગયો અને વ્યાજ સહિત લોનની રકમ મોટી રહી, આથી ઘણાં લોનધારકોએ લોન પરત આપવાનું ટાળી દીધું અને એથી પણ લોન્સ ડિફોલ્ટના કેસ વધી ગયા.