Mysamachar.in-જામનગરઃ
છેલ્લા એક સપ્તાહમાં જ સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસમાં સોના-ચાંદીના ભાવમાં રૂપિયા એક હજારથી 1500 રૂપિયાનો વધારો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવમાં ઉછાળા પાછળ અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સોના-ચાંદીના ભાવ વધારાની સીધી અસર લોકો પર પડી રહી છે. ટૂંક સમયમાં જ લગ્નની સીઝન શરૂ થવાની છે. ડિસેમ્બરની સીઝનમાં મંદીની અસર વર્તાઇ હતી, જ્યારે ફેબ્રુઆરીની સીઝન કમાણી કરાવશે તેવી આશા જ્વેલર્સ બજાર સેવી રહ્યું છે, પરંતુ સોનાના ભાવ ભળકે બળતા હવે ફરી જ્વેલર્સ બજારમાં ચિંતા છવાઇ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના હુમલાના બીજા જ દિવસે સોનું દસ ગ્રામના ભાવ ૪૧ હજારની સપાટી વટાવી જતાં સ્થાનિક બજારમાં સન્નાટો વ્યાપ્યો છે. એક જ દિવસમાં બજારને કરોડો રૂપિયાની નુકસાની થઇ ગઇ હોવાનું બજારનાં સૂત્રો જણાવે છે. રિટેલ માર્કેટને તો આ ફટકાની કળ ક્યારે વળશે એ કહેવું હાલ મુશ્કેલ બની ગયું છે. હોલસેલ માર્કેટમાં પણ ઊભા સોદામાં ઝવેરીઓને મોટી નુકસાની આવી છે. હોલસેલ માર્કેટનાં સૂત્રોના જણાવ્યા મુજબ બજારમાં પેનિકના કારણે સૌથી વધુ મોટી વિશ્વાસની કટોકટી સર્જાશે. બજાર ચાલશે કે નહીં તે ચિંતામાં રિટેલ માર્કેટ અને સેમી હોલસેલ માર્કેટ હોલસેલમાંથી સોનું ખરીદવાનું બંધ કરશે અથવા ખૂબ જ ઓછી ખરીદી કરશે.