Mysamachar.in:ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની વ્યવસ્થાઓ RTO પાસેથી લઈ ITIને સોંપી દેવામાં આવી છે તે પછી હવે આ આખી વ્યવસ્થાઓને સાવ નવું જ રૂપ આપવામાં આવ્યું. હવે આ લાયસન્સ પ્રક્રિયાઓ પૂર્ણ રીતે ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવી છે. આ વિષયમાં RTOની સંપૂર્ણ બાદબાકી.
સરકારે જાહેરાત કરી દીધી છે કે, 1 જૂન-2024થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવો નિયમ લાગુ. આ લાયસન્સ માટે RTOમાં ટેસ્ટ નહીં આપવાની. લાયસન્સ માટેની વ્યવસ્થાઓ, ટેસ્ટ વગેરે હવે ખાનગી પાર્ટીઓ સંભાળશે. આ ટેસ્ટ ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ખાતે આપવાની. કેન્દ્ર સરકારે આ નિયમ બનાવ્યો. આ સેન્ટર તમને લાયસન્સ આપશે. દરેક વાહન માટે આ નવી વ્યવસ્થાઓ લાગુ થઈ ગઈ છે.
નવા નિયમોમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માટે પણ સુધારાઓ આવ્યા છે. જૂના 9 લાખ સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત કારમાંથી બહાર ફેંકાતા કાર્બનનું પ્રમાણ નિયંત્રિત કરવા નવા નિયમો આવ્યા છે અને સરકાર કહે છે, આ નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે.
ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં ફોર વ્હીલર ટ્રેનિંગ માટે ઓછામાં ઓછી 2 એકર જમીન અને અન્ય વાહનોની ટ્રેનિંગ માટે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. ટેસ્ટિંગ માટેની સુવિધાઓ વિકસાવવાની રહેશે. ટ્રેનિંગ આપનારની શૈક્ષણિક લાયકાત, ડ્રાઇવિંગ અનુભવ, બાયોમેટ્રિક તથા IT સિસ્ટમનું જ્ઞાન વગેરે ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
લાઈટ મોટર વ્હીકલ (LMV) માટે 4 સપ્તાહમાં 29 કલાકની તાલીમ, જેમાં 8 કલાક થિયરી અને 21 કલાક પ્રેક્ટિકલ તાલીમ. હેવી મોટર વ્હીકલ (HMV) માટે 6 સપ્તાહમાં 39 કલાકની તાલીમ. 8 કલાક થિયરી માટે, 31 કલાક પ્રેક્ટિકલ તાલીમ. લાયસન્સ અરજી ફી લાયસન્સ પ્રકાર મુજબ. ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. RTO ખાતે ફિઝિકલ ચેકઅપ માટે નહીં જવાનું. લાયસન્સ પ્રાપ્ત કરવા માટે કાગળો એટલે કે દસ્તાવેજોની જરૂરિયાત સરળ બનાવવામાં આવી છે.
વાહન ચલાવવામાં નિયમોનો ભંગ થશે તો આકરો દંડ થશે. નિયત કરતાં વધુ ગતિથી વાહન ચલાવનારે રૂ. 1,000 થી માંડી રૂ. 2,000 સુધીનો દંડ ભરવાનો રહેશે. સગીર ડ્રાઇવિંગ કરતો ઝડપાશે તો, રૂ. 25,000 નો દંડ થશે. સાથે જ વાહનના માલિકનું વાહન રજિસ્ટ્રેશન રદ્દ થશે. અને તે સગીર 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અયોગ્ય ઠરશે. લાયસન્સ આપનાર ઓથોરિટીના ઓર્ડર સામે ફી ભરીને અપીલ કરી શકાશે. દરેક કામ માટે જુદી જુદી ફી નિર્ધારીત કરવામાં આવી છે. લાયસન્સ માટેની ઓનલાઈન અરજી સરકારી વેબસાઈટ પર જ થશે. દસ્તાવેજો આપવા અને લાયસન્સ મંજૂરી માટે RTO માં જ જવાનું રહેશે. ઓફલાઈન અરજી RTO ખાતે થઈ શકશે. લાયસન્સ ન હોય તેવા વાહનચાલકો માટે મોટી ફી ની જોગવાઇ કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટેના તમામ નવા નિયમો આગામી 1 જૂનથી અમલી બનશે.(symbolic image source:google)