Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં લાખ્ખો સાર્વજનિક ટ્રસ્ટ હૈયાત છે, જે પૈકી ઘણાં માત્ર કાગળ પર છે અને લગભગ તમામ પ્રકારના સાર્વજનિક ટ્રસ્ટમાં મિલકતો સંબંધિત જે નિર્ણયો લેવામાં આવતાં હોય છે તેમાં ઘણાં પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ તથા ગોબાચારીઓને અવકાશ રહેતો હોય છે, હવે આ બધી પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે. કેમ કે, સરકારે ઘણી બધી બાબતો ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. Mysamachar.in દ્વારા આજે આ અંગે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર એ.એમ.પંડયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને આ સુધારા અંગે વિગતોની જાણકારીઓ મેળવવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી. આ જાહેરાતની તમામ વિગતો, તમામ સાર્વજનિક ટ્રસ્ટના સંચાલકોએ જાણવી આવશ્યક છે. કારણ કે, ટ્રસ્ટની મિલ્કતો અંગે હવે જિલ્લાકક્ષાએ એક ખાસ કમિટીની રચના થશે. આ કમિટી નિર્ણયો લેશે. અને મિલ્કતો સંબંધિત આ બધી બાબતો હવે ઓનલાઇન મૂકવાની રહેશે. જેથી ખાનગીમાં ચાલતી નિયમ વિરુદ્ધની ઘણી પ્રવૃતિઓ પર આપોઆપ બ્રેક લાગી જશે.
સરકારે જાહેર કર્યું છે કે, રાજય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-1950ની કલમ-36માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈ પણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિમય કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદિલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી, આ પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કલમ-36 હેઠળ સાર્વજનિક ટ્રસ્ટની મિલકત તબદિલ કરવાની કાર્યવાહીઓ મેન્યુઅલ થતી હતી,જેના કારણે ઈજારાશાહીઓ વધવાની શકયતા રહેતી હતી. હવે આ પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ થશે. પ્રક્રિયા દરમિયાન મિલ્કતોનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. અને મિલકતના વેચાણ અથવા ભાડાપટ્ટાની કાર્યવાહીઓ હવે ઓનલાઇન થશે. આ પ્રક્રિયા ઈ-ઓકશન પોર્ટલ પર થશે.
આ ઉપરાંત ટ્રસ્ટની મિલકતો અદલાબદલી કરવા સંબંધે બંને મિલકતોનું મૂલ્યાંકન કર્યા પછી, ખૂટતી રકમ ભરવાની રહેશે, પછી જ આવી મિલકતોની અદલાબદલી થઈ શકશે. અત્યાર સુધી સાર્વજનિક ટ્રસ્ટની મિલકતોની કિંમતો નકકી કરવા જંત્રી, સરકાર માન્ય વેલ્યૂઅરનો રિપોર્ટ અને ટ્રસ્ટના સંચાલક મંડળ દ્વારા જેતે મિલકતની અંદાજિત વેચાણકિંમતનો જે ઠરાવ કરવામાં આવ્યો હોય તે બધી બાબતોને ધ્યાન પર લઈ આવી મિલકતોની અપસેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવતી. આ પ્રક્રિયામાં પણ હવે સુધારો કરવામાં આવ્યો છે.
હવે ટ્રસ્ટની કોઈ પણ સ્થાવર મિલકતની અપસેટ પ્રાઈઝ નક્કી કરવા સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ ‘ જિલ્લાકક્ષાની વેલ્યુએશન સમિતિ’ દ્વારા આવી મિલકતોની કિંમત નક્કી થશે. આ સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય રહેશે. તેથી હવેથી સાર્વજનિક ટ્રસ્ટની આ પ્રકારની કોઈ પણ સ્થાવર મિલકતની તબદિલી અગાઉ ટ્રસ્ટે આ વેલ્યુએશન સમિતિનો મિલકતની કિંમત અંગેનો રિપોર્ટ ફરજિયાત મેળવવાનો રહેશે. અને આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.