Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધમધમતી ઘડી ડીટરજન્ટની કંપની RSPL પોતાના હૈયાત પ્લાન્ટને વિસ્તારવા ઈચ્છે છે, જે અનુસંધાને નિયમ અનુસાર જાહેર લોકસુનાવણી યોજાઈ હતી પરંતુ આ કાર્યક્રમ લોકશાહી ઢબે થયો ન હતો, એવો આક્ષેપ સ્થાનિકો દ્વારા થયો છે. જો કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે: સુનાવણી નિયમ અનુસાર સંપન્ન થઈ છે અને વડી કચેરીઓને આ અંગે રિપોર્ટ મોકલવામાં આવશે.દ્વારકા શહેરથી 30 કિલોમીટરના અંતરે આવેલી ઘડી ડીટરજન્ટના નામે જાણીતી કંપની RSPL પોતાના સોડાએશ પ્લાન્ટને વિસ્તારવા ઈચ્છે છે. આ માટે સરકારી તંત્રો દ્વારા પર્યાવરણીય લોકસુનાવણીનું આયોજન કરવામાં આવેલું. સુનાવણીમાં સંખ્યાબંધ સ્થાનિક લોકોએ રોજગારી અને પ્રદૂષણ સહિતના મુદ્દાઓ ઉઠાવતા હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા,
કુરંગા નજીકના ગોજિનેસ ગામના લોકોએ વધુ વિરોધ વ્યક્ત કર્યો. અને નવા પ્લાન્ટ અંગેનો તેઓનો વિરોધ તેઓએ લેખિતમાં નોંધાવ્યો. કેટલાંક સ્થાનિક લોકોને રજૂઆત કરતાં અટકાવવામાં આવેલાં એવી પણ એક વાત છે. જો કે કેટલાંક લોકોએ સણસણતા સવાલો પણ સુનાવણી દરમિયાન હિમ્મતથી કરી લીધાં હતાં. કેટલાંક આગેવાનો કંપનીની તરફેણ કરતાં હોય તેવું પણ વાતાવરણ સર્જાયું હોવાનું સૂત્ર જણાવે છે. સ્થાનિક લોકોએ એવી પણ લાગણી વ્યકત કરી હતી કે, આ પર્યાવરણીય સુનાવણી લોકશાહી ઢબે સંચાલિત કરવામાં આવી નથી. એવું પણ શક્ય છે કે, આગામી દિવસોમાં કુરંગા સહિતના પંથકમાં મોટું લોકાંદોલન ફાટી નીકળે. કેમ કે, સુનાવણી દરમિયાન લોકરોષ ચરમસીમાએ હતો.
સુનાવણી દરમિયાન લોકોએ કંપનીને કારણે થતાં નુકસાનના સજજડ પુરાવાઓ મોટી સંખ્યામાં રજૂ કરતાં આ કાર્યક્રમમાં સોપો પડી ગયો હતો. હવે ગાંધીનગર તથા દિલ્હી ઈચ્છશે તે પ્રમાણે કંપનીનું અહીંનું ભવિષ્ય આકાર લેશે એવું હાલ દેખાઈ રહ્યું છે કેમ કે સ્થાનિક સ્તરે તો વિરોધ વંટોળ કંપની સામે બહુ તીવ્ર હોવાની સૌને પ્રતીતી થઈ ચૂકી છે. મહત્વનું છે કે કંપની શરુ થઇ ત્યારથી ખેડૂત સહિતના આસપાસના સ્થાનિકો વાંધા વિરોધ દર્શાવતા આવ્યા છે.અને તે અંગે લગત તંત્રો અવારનવાર તપાસો પણ કરે છે.
-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કલ્પના પરમારે કહ્યું કે…
શુક્રવારે આ પર્યાવરણીય સુનાવણી યોજાઈ તેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તરીકે જામનગરથી કલ્પનાબહેન પરમાર ઉપસ્થિત રહ્યા હતાં અને લોકોની રજૂઆતો સાંભળી હતી. તેઓએ તમામ વાંધા અરજીઓની નોંધ લીધી છે. Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન તેઓએ આજે એમ કહ્યું કે,
તમામ રજૂઆત સાંભળવામાં આવી છે. લોકોને મૌખિક જવાબો અને આશ્વાસન પણ આપવામાં આવ્યા છે. પર્યાવરણીય સુનાવણીની સંપૂર્ણ કાર્યવાહીને મિનિટાઈઝ કરવામાં આવશે અને નિયમ અનુસાર ઓનલાઇન મૂકવામાં આવશે અને એ રીતે સંપૂર્ણ લેખિત રિપોર્ટ GPCB (ગાંધીનગર) તથા CPCB (દિલ્હી)સમક્ષ રજૂ થશે, ત્યારબાદ આ કચેરીઓ દ્વારા જે કોઈ સૂચનાઓ અને માર્ગદર્શન મળશે એ મુજબ સ્થાનિક સ્તરે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.હાલમાં જો કે અન્ય સરકારી અધિકારીઓની માફક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ મહિલા અધિકારી પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અનુસંધાને અન્ય જવાબદારીઓમાં વ્યસ્ત હોવાનું જાણવા મળે છે.