Mysamachar.in: જામનગર
જામનગરમાં જીજી હોસ્પિટલ- મેડિકલ કોલેજ સંકુલને થોડાં થોડાં સમયે સમાચારોમાં ચમકવાની વર્ષો જૂની આદત છે. આ વખતે આ સંકુલ લાંચના મામલે સમાચારમાં છે, હોસ્પિટલના મેડિકલ બોર્ડનો એક કર્મચારી લાંચના છટકામાં ઝડપાઈ જતાં સહેજ બચી ગયો, જો કે ફરિયાદ અને રેકર્ડ પરના પુરાવાના આધારે, આ શખ્સ વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે અને આ શખ્સની શોધખોળ પણ ચાલુ છે.

આ પ્રકરણની જાહેર થયેલી વિગતો અનુસાર: જામનગરની જીજી હોસ્પિટલના મેડિકલ બોર્ડમાં અશોક ધીરૂભાઈ પરમાર નામનો એક કર્મચારી છે. આ શખ્સે, આ કેસના ફરીયાદી પાસેથી એક પ્રમાણપત્ર આપવાના બદલામાં રૂ. 2,50,000 ની લાંચની માંગ કરેલી. બાદમાં રકઝકના અંતે આ રકમ રૂ. 45,000 નક્કી કરવામાં આવી. જે પૈકી રૂ. 20,000ની રકમ આ ફરિયાદીએ, અશોક પરમારને અગાઉ આપી દીધેલી અને બાદમાં લાંચ રૂશવત વિરોધી છટકાના ભાગરૂપે ફરિયાદી અને આરોપી વચ્ચે રૂ. 25,000ની લેતીદેતી થઈ રહી હતી ત્યારે, લાંચ રૂશવત વિરોધી શાખાના અધિકારીઓ આવી ગયા. પરંતુ ચાલાક આરોપીને છટકાંની ગંધ આવી જતાં આરોપીએ આ રકમ પરત ફરિયાદીને આપી દીધી અને સ્થળ પરથી અશોક પરમાર નામનો મેડિકલ બોર્ડનો આ કર્મચારી નાસી ગયો.

આ મામલાની વિગત એવી છે કે, ફરિયાદીને પોતાના વિભાગમાં વતનથી નજીકના સ્થળે બદલી કરાવવી હતી, જેના ભાગરૂપે ફરિયાદીને હ્રદયરોગ છે કે કેમ તે ખરાઇ કરાવવા જીજી હોસ્પિટલમાં તપાસણી માટે મોકલવામાં આવેલ હતો. આ કામગીરીઓ દરમિયાન આ કેસના આરોપીએ આ ફરિયાદી પાસેથી, પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચની રકમની માંગ કરી હતી. જે અનુસંધાને ફરિયાદીના માધ્યમથી લાંચ રૂશવત વિરોધી શાખાએ આરોપીને ઝડપી લેવા આ છટકું ગોઠવ્યું હતું. તંત્ર દ્વારા અશોક પરમાર નામના આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ તમામ કાર્યવાહીઓ ભાવનગર એસીબીના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર જી.વી.પઢેરિયાના માર્ગદર્શન મુજબ, અમરેલી એસીબીના ઈન્ચાર્જ પી.આઈ. આર.બી.સગર તથા અમરેલી-બોટાદ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર કાલે શુક્રવારે રાત્રે બહાર આવતાં જીજી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.
