Mysamachar.in-જામનગર
કોઈ પણ મહાનગરમાં તે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક એટલે એક પ્રકારની લોકસભા જ્યાં પ્રતિનિધિઓ લોકોની લાગણી, લોકોના અરમાનો અને લોકોની વેદનાને વાચા આપતાં હોય. પરંતુ ધારો કે આ પ્રતિનિધિઓ મૂંગા હોય, બોલવાની સજ્જતા ધરાવતાં ન હોય, અથવા પક્ષે શિસ્તના નામે તેમની વાચા હરી લીધી હોય અથવા વિરોધી લેખાવી બહુમતીના જોરે અમુક પ્રતિનિધિઓને બોલવા દેવામાં આવતાં ન હોય અથવા બોલે તો પણ ગણકારવામાં આવતાં ન હોય, શાસન આપખુદ હોય- એવા પ્રતિનિધિઓ જ્યાં બેસતાં હોય, એ જનરલ બોર્ડ, શહેરની એ સંસદ, શહેરની એ લોકસભા, શહેરના આ મંદિરનો મતલબ શું ? જવાબ: કાંઈ જ નહીં. ટૂંકમાં, જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક એટલે સમય અને નાણાંનો વેડફાટ. અહીં પ્રજામતની કોઈ જ વેલ્યુ નથી. આ ફાલતૂ સ્થળ બની ગયું છે.

કાલે ગુરૂવારે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક હતી. જે કાયમની માફક ફાલતૂ સાબિત થઈ. અહીં એ જાણી લો કે, જનરલ બોર્ડની બેઠકમાં શહેરના અને મતદારોના પ્રશ્નોની ચર્ચાઓ થવી જોઈએ. અહીં સ્વસ્થ ચર્ચાઓ દ્વારા લોકોની સમસ્યાઓના ઉપાયો શોધાવા જોઈએ. અહીં શહેરના ભાવિ આયોજન અને વિકાસની બ્લ્યુ પ્રિન્ટની મુક્ત ચર્ચાઓ થવી જોઈએ. જામનગરમાં શાસકપક્ષ વર્ષોથી અહીં આવું કશું કરતો નથી, થવા દેતો નથી. શાસકપક્ષ આપખુદ છે. તેના સભ્યોને મોઢે પટ્ટી લગાવી દેવામાં આવી છે. જનરલ બોર્ડની બેઠક દર મહિને યોજાતી, જે શાસકોએ બે મહિને એક વખત કરી નાંખી છે. મતલબ, શાસકો ખુદ જનરલ બોર્ડને, લોકતંત્રના આ મંદિરને ફાલતૂ ગણે છે.

રહી વાત વિપક્ષની. વિપક્ષ પાસે સંખ્યાબળ નથી. વિપક્ષ પાસે હોમવર્કની આવડત નથી. વિપક્ષ શાસકોને ભીડવવા ઈચ્છતો નથી. વિપક્ષ શાસકોને ઉઘાડાં કરવામાં, અદાલતોમાં ઘસડી જવામાં સંકોચ અનુભવે છે. વિપક્ષ આક્રમક નથી. લોકોમાં ચાલતી ચર્ચાઓ અનુસાર, વિપક્ષ પણ શાસકપક્ષની માફક કોર્પોરેશનમાં ‘ધંધો’ કરે છે ?! આ પ્રકારની સ્થિતિમાં લોકતંત્રના આ મંદિરની ગરિમા જાળવે કોણ ?
કાલે ગુરૂવારે પણ જનરલ બોર્ડની બેઠક એકદમ સામાન્ય રહી. કોઈ જ વિશેષતા રહી. શાસકપક્ષના એજન્ડામાં કોઈ જ મહત્ત્વના મુદ્દાઓ નહીં. પ્રશ્નોની ચર્ચાઓ વગર અધ્યક્ષે (ડેપ્યુટી મેયર) બોર્ડ પૂર્ણ થયેલું જાહેર કરી દીધું. ફાયર NOC, નળ જોડાણ, તળાવ સહિતના મુદ્દાઓની કોઈ જ વિધિસર ચર્ચાઓ નહીં. બોર્ડનું સંચાલન ખાનગી પેઢીની માફક કરવાની શાસકપક્ષની વરસો જૂની આદત કાલે પણ જોવા મળી. વિપક્ષ, પછેડી દબાયેલી હોય તેમ, લડાયક બની શકતો નથી. શહેરની શેરી ગલીઓ કે રસ્તા ગજાવી શકતો નથી. લોકો પાંચ વરસે એક વખત મત આપે, બે ચૂંટણીઓ વચ્ચે પાંચ વર્ષ સુધી આવેદનપત્ર આપતાં રહે.
