Mysamachar.in-જામનગર:
જામનગરની આયુર્વેદિક ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા અને રાજયની બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર નામની સંસ્થા વચ્ચે MoU એટલે કે સહયોગ કરારપત્ર સાઈન થયું છે, જેને કારણે આગામી સમયમાં રાજ્ય અને દેશને મેડિકલ ક્ષેત્રમાં નૂતન સંશોધનો ઉપલબ્ધ થઈ શકે છે, જે સૌ માટે ઉપયોગી અને ઉપકારક નીવડી શકે છે.
અમદાવાદ સાયન્સ સિટી ખાતે તાજેતરમાં ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જામનગરની ITRA (ઈન્સ્ટીટયૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ) વતી આ સંસ્થાના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર અને GBRCના નિયામક ડો. ચૈતન્ય જોષી દ્વારા એક MoU સાઈન કરવામાં આવ્યું છે. જે પ્રાચીન એટલે કે આયુર્વેદિક અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન એટલે કે મેડિકલ સાયન્સની દિશામાં સંશોધન થકી નવા સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
જામનગરનું આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન ITRA વિશ્વની અગ્રણી સંસ્થા છે. જેની આયુર્વેદિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરીઓ અને યોગદાનને ધ્યાનમાં લઈ ભારત સરકારે આ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરેલી છે, આ સંસ્થા આયુર્વેદ અને ફાર્મસીના ક્ષેત્રમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોકટરેટ કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે. આ ઉપરાંત ઔષધિય વનસ્પતિઓ સંબંધિત અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે.
એ જ રીતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્થાપિત સંસ્થા છે. જે અત્યંત આધુનિક અને સુસજ્જ લેબોરેટરીઓ ધરાવે છે. આ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો માટેની મુળભૂત કાર્યપ્રણાલીઓ વિકસિત કરવામાં આવે છે. જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને સમુદ્ર ક્ષેત્રોના સંશોધનોમાં થઈ શકે છે.
આ બે મહત્વપૂર્ણ સંશોધન સંસ્થાઓ વચ્ચે હાલમાં જ વૈજ્ઞાનિક સંશોધનો માટે MoU કરવામાં આવ્યું છે. આ કરારથી આયુર્વેદિક ઔષધિઓ, ઔષધયોગો અને અન્ય ચિકિત્સાઓ અને બાયોટેકનોલોજીકલ ઉત્પાદનોનું સુવ્યવસ્થિત રીતે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પરીક્ષણ દ્વારા સંશોધન થઈ શકશે. બંને સંસ્થાઓના આ સહયોગને કારણે પ્રાચીન આયુર્વેદિય પદ્ધતિ અને આધુનિક વૈજ્ઞાનિક સાધનો- એમ બન્ને પક્ષને સંશોધનો દરમિયાન આવરી લઈ શકાશે. આ પ્રકારના સંશોધનો દ્વારા આયુર્વેદિય ઔષધો અને આધુનિક ચિકિત્સા પ્રક્રિયાઓ શરીરમાં સૂક્ષ્મ સ્તર પર કઈ રીતે કાર્ય કરે છે અને શું અસરો કરે છે તે પણ સામે આવે તેવી સંભાવનાઓ છે.
GBRC પાસે મોલેકયુલર બાયોલોજી, માઈક્રોબાયોલોજી, જિનોમિકસ અને પ્રોટિઓમિકસ ક્ષેત્રોમાં સંશોધનો માટે અદ્યતન પ્રયોગશાળાઓ છે, જયારે ITRA પાસે ચિકિત્સકીય અને પૂર્વ ચિકિત્સકીય સંશોધનો માટેની હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કરારના માધ્યમથી બન્ને સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો તેમના સંશોધનો અને શૈક્ષણિક પ્રવૃતિઓની ગુણવત્તા અને તેના વ્યાપના વિસ્તાર માટે બંન્ને સંસ્થાઓમાં ઉપલબ્ધ સંસાધનો જેવા કે પુસ્તકાલય, પ્રયોગશાળાઓ, ચિકિત્સાલય અને અન્ય સંશોધન સુવિધાઓ તેમજ બન્ને સંસ્થાઓના વિદ્વાન વૈજ્ઞાનિકોના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરી શકશે.