Mysamachar.in:જામનગર
આંકડા કેટલીક બાબતો જાહેર કરે છે. અને, આંકડા ઘણું બધું છૂપાવી શકે છે. આ બંને બાબતો આંકડાની રમતોથી શક્ય છે. અને, આંકડાની રમત માંડવામાં જામ્યુકોનો જોટો નથી, એવું કેટલાંક લોકો ગૌરવ સાથે પણ કહેતાં હોય છે ! શહેરનાં ગુલાબનગર વિસ્તારમાં જે ડમ્પ સાઈટ આવેલી છે ત્યાં આંકડાની આ રમત ખુદ જામ્યુકો રમે છે ! જામ્યુકોનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ મેનેજમેન્ટ સોલિડ રીતે કરે છે અને વેસ્ટ મેનેજમેન્ટની આ વિભાગની કળાને કચરામાંથી કંચન બનાવવાની કળા તરીકે ઓળખવામાં આવે છે ! સ્વચ્છતા પ્રભુતા છે અને કચરો કંચન ઉર્ફે સોનું છે. જામ્યુકો આ બંને સૂત્રોને અનુસરે છે, સમય પ્રમાણે.
સાદા અંદાજ મુજબ, શહેરમાંથી દરરોજ 350 ટન ઘન કચરો ડોર ટુ ડોર કલેક્શન અને કચરાપેટીઓમાંથી ગાંધીનગર વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે પહોંચે છે. જે પૈકી 70-80 ટન કચરો એવો હોય છે જે આ પ્લાન્ટમાં સળગાવી શકાતો નથી અથવા સળગાવવામાં આવતો નથી. એટલે કે મહિને 2100-2300 ટન કચરો એવો હોય છે જે સળગાવવામાં આવતો નથી. એટલે કે, વર્ષ દરમિયાન અંદાજે 30,000 ટન કચરો શહેરમાંથી એવો નીકળે જે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટથી ગુલાબનગર ડમ્પ સાઈટ પર પહોંચે.
જામ્યુકો કહે છે : ગુલાબનગર નજીકનો કચરા પ્રોસેસિંગનો પ્લાન્ટ 11:01:2023 થી શરૂ થયો. અને, લગભગ એકાદ મહિનાથી આ પ્લાન્ટ, વરસાદને કારણે, બંધ છે. આ સમયગાળાને ધ્યાનમાં રાખીએ અને કચરાનો હિસાબ કરીએ તો મહિને વધુમાં વધુ 2,500 ટન લેખે ઉપરોક્ત સમયગાળામાં ગુલાબનગર ખાતે વધુમાં વધુ 40,000-50,000 ટન કચરો પહોંચે. જેનું પ્રોસેસિંગ કરી શકાય. પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારી દિપક શિંગાળા કહે છે : ગુલાબનગરનાં આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 97,000 ટન કચરો પ્રોસેસ કરવામાં આવ્યો !
આ સાદો હિસાબ કહે છે કે, કોર્પોરેશન દ્વારા કચરો પ્રોસેસ કરનાર કોન્ટ્રાકટર પાર્ટી વૈભવી કન્સ્ટ્રકશનને ઉપરોક્ત સમયગાળામાં વધારાનાં રૂ.2.23 કરોડ કોર્પોરેશને ચૂકવવાના થાય ! કારણ કે એક ટન કચરો પ્રોસેસ કરવા કોર્પોરેશન આ પાર્ટીને રૂ.471 ચૂકવે છે ! આમ કચરાનાં જથ્થાનો ખોટો અંદાજ જાહેર કરીને કોર્પોરેશનની એટલે કે કરદાતા નગરજનોની તિજોરીને, એટલે કે લોકોનાં ખિસ્સાને કરોડો રૂપિયાનો ધૂંબો મારવામાં આવે છે ! આ વધારાનાં કરોડો રૂપિયાના ‘ભાગ’ પાડવામાં આવે છે ! અને લાગતાં વળગતા સૌને પોતપોતાના હિસ્સાનું માંસ – આ શિકાર પ્રકરણમાંથી મળી જાય છે ! આ કામગીરીનાં રિપોર્ટ નગરજનો સમક્ષ મૂકવામાં આવતાં નથી !
-કમિશનર ડી.એન.મોદી જાત તપાસ કરે તો સોલીડ વેસ્ટના કેટલાય કાંડ ખુલે…
કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ સોલીડ વેસ્ટ વિભાગમાં ચાલતા મોટા ભોપાળાઓ અંગે જાતતપાસ બાદ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની જરૂર હોય તેમ મનપાના સુત્રો કહે છે. કારણ કે આ વિભાગને ભ્રષ્ટાચારનો લુણો લાગી ગયો છે જો તેને દુર કરવામાં આવે તો મનપાની તિજોરીને મોટો ફાયદો થઇ શકે તેમ જાણકારો વાતચીતમાં ઉમેરે છે.