Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અતિશય ગવાઈ ચૂકેલાં વિભાગ તરીકે કુખ્યાત બની ગયો છે છતાં અચરજની વાત એ છે કે, આ વિભાગમાં હજુ સુધી ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા અભિયાન શરૂ થવા પામ્યું નથી. આ વિભાગ જામ્યુકોની જનરલ બોર્ડની બેઠકોમાં પણ અવારનવાર ચર્ચાને ચાકડે ચડી ચૂક્યો છે છતાં શાસકપક્ષ પણ અજાણ હોવાનો ડોળ કરી રહ્યો હોય, હવે તો નગરજનો શાસકો પ્રત્યે પણ આંગળી ચીંધી રહ્યા છે. શાસકોને આ પ્રકારની બદનામી શા માટે પોસાઈ રહી છે.?!
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પોતાની ચામડી બચાવી રહ્યો છે. આ વિભાગનાં વડા અધિકારી મુકેશ વરણવા, ઈજનેર દીપક શિંગાળા તથા જુનિયર ઇજનેર સંદીપ, પોતાનાં વિભાગની ખરી હકીકતો જાહેર ન થાય તે માટે ધમપછાડા કરી રહ્યા છે. ફોન રિસિવ કરવાની પણ તસ્દી લેતાં નથી, જેનાં પરથી આપોઆપ સ્પષ્ટ થઈ રહ્યું છે કે – સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સોલિડ કૌભાંડો ચાલી રહ્યા છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ગંધારો વિભાગ છે, એવું વિપક્ષ દ્વારા અવારનવાર ડંકે કી ચોટ પર કહેવાયું છે. આ વિભાગ હસ્તકના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં ડોર ટુ ડોરમાં પણ મોટી ગોબાચારીઓ ચાલી રહી છે એવું વિપક્ષ દ્વારા છાતી ઠોકીને કહેવાયું છે. જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે વિપક્ષ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓને તથા અધિકારીઓને ઓપન ચેલેન્જ પણ આપવામાં આવી હતી. આમ છતાં સૌ મૌન ! એ જ દર્શાવે છે કે, મહાનગરપાલિકાની નિયત આ બાબતમાં મેલી છે. આ એ જ મહાનગરપાલિકા છે જે થોડાં થોડાં સમયે સ્વચ્છતા મુદ્દે વધામણી ખાય છે. રાષ્ટ્રીય કક્ષાએ પોતાને એવોર્ડ મળી રહ્યા છે એવું અખબારી યાદીમાં જાહેર કરે છે !
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારી દિપક શિંગાળા કચરા પ્રોસેસિંગ પ્લાન્ટની એજન્સીને છાવરે છે. ઉપરાંત આ એજન્સીને શા માટે નોટિસ આપવામાં આવી છે ? તે વિગતો છૂપાવે છે. આ વિભાગનાં અધિકારીઓ પોતાની કામગીરી અને કાર્યવાહીઓ પારદર્શક રીતે જાહેર કરવામાં તકલીફ શા માટે અનુભવે છે ?! સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દર પંદર દિવસે મળે છે. કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ અંગે કમિટી પણ મૌન છે ! કમિટી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરીની સમીક્ષા શા માટે નથી કરતી ? તે પ્રશ્ન પણ ગંભીર લેખાવી શકાય. આ સ્થિતિમાં કરદાતા નગરજનો એવું ઈચ્છી રહ્યા છે કે, કોર્પોરેશનનાં વડા તરીકે કમિશનરે આ વિભાગમાં ઉપરથી નીચે સુધી દાખલારૂપ ઓપરેશન કરવું આવશ્યક છે. આ વિભાગની ગતિવિધિઓને કારણે શાસકો તથા જામ્યુકોની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી રહી છે.