જામનગર શહેરમાંથી દર 24 કલાકે આશરે 400 મેટ્રિક ટન જેટલો કચરો એકત્ર કરી રાજકોટ રોડ નજીકની ડમ્પિંગ સાઈટ પર ઠાલવી દેવામાં આવે છે. આ કચરો અતિશય ગંદો, જોખમી અને ઝેરી હોય- હવા, જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે, જેની માઠી અસરો પર્યાવરણ ઉપરાંત માનવજિવન પર પણ થઈ રહી હોવા છતાં આ આખા વિષયને મહાનગરપાલિકા કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગંભીર ગણતાં નથી !
જામનગરની નદીમાં પ્રદૂષણ ભળે છે, તળાવ પ્રદૂષિત બની રહ્યું છે, ડમ્પિંગ સાઈટ ઘાતક બની રહી છે- આમ છતાં આ એક પણ વિષય પર, જામનગરમાં કોઈ જ કાર્યવાહીઓ થતી નથી, માત્ર વાતો અને વારતાઓ ચાલતી રહે છે, જેનો કોઈ અર્થ નથી. લાખો રોપાનું વાવેતર કરવાની અને વનબગીચા ખાનગી એજન્સીઓને સોંપવાની પર્યાવરણ સંબંધિત મીઠડી વાતો કરતાં તંત્રો- નજર સામેના પ્રદૂષણ અંગે મોઢામાં મગ ભરીને બેસી રહ્યા હોય એવી અફસોસજનક હાલત છે. રાજ્યના વન પર્યાવરણ વિભાગનો હવાલો પણ હાલારના ધારાસભ્ય પાસે છે-જે નોંધનીય છે.
મહાનગરપાલિકાએ રાજકોટ રોડ પરની ડમ્પિંગ સાઈટ પર સમગ્ર ચોમાસા દરમ્યાન હજારો ટન કચરો ઠાલવ્યો, કચરાના આ પહાડો પર વરસાદ વરસ્યો, કચરો ભીનો પણ થયો અને વરસાદી પાણીમાં વહી દરિયામાં પણ ગયો. આથી ખીજડીયા પક્ષી અભયારણ્યના પર્યાવરણને પણ હાનિ પહોંચી હશે, પરંતુ આ સમગ્ર વિષયમાં ન તો મહાનગરપાલિકા કશું બોલે છે, ન તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ! આટલું ભયાનક પ્રદૂષણ ચલાવી લેવામાં કોઈને તો, કોઈ પ્રકારનો આર્થિક લાભ થતો જ હશે- એવી શંકાઓ બળવતર બની ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાને આવા પ્રદૂષણ સંબંધે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૂ. 22.50 કરોડનો દંડ ઝીંકી દીધો. જામનગરમાં સરાજાહેર લાલિયાવાડીઓ ચાલી રહી છે !
જામનગરની પ્રદૂષણ નિયંત્રણ કચેરી શું કહી રહી છે ?…
આ સંબંધે આજે સવારે Mysamachar.in દ્વારા જામનગર ખાતે આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના વડા GB Bhatt નો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમની કચેરીએ ગત્ મહિને મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઈટની વિઝિટ કરી છે, રિપોર્ટ ગાંધીનગર મોકલી આપ્યો છે (આ કચેરી, આ પ્રકારના છાપેલા સરકારી જવાબો આપવાની આદત અને માનસિકતા ધરાવે છે), ગાંધીનગર મોકલવામાં આવેલાં આ રિપોર્ટમાં પ્રદૂષણ અને જોખમ મામલે ગંભીર મુદ્દો શું છે, એ પ્રશ્નના ઉત્તરમાં અધિકારીએ મૌન જાળવવાનું પસંદ કર્યું. જે દર્શાવે છે કે, મહાનગરપાલિકા અને GPCB વચ્ચે કાં તો ઈલુ ઈલુ ચાલે છે અથવા ગાંધી વૈદનું સહિયારૂ એ કહેવત અહીં લાગુ પડી રહી છે. પર્યાવરણ અને માનવજીવનની ટૂંકમાં કોઈને કશી ચિંતાઓ નથી, આ ચિંતા મોટી છે.