Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં અને મહાનગર સેવાસદનમાં કચરો કાયમ ‘ગંધાતો’ રહ્યો છે, તે હકીકત સૌ જાણે છે. મહાનગરપાલિકાએ વધુ એક વખત એમ મન બનાવી લીધાંનું જાણવા મળે છે કે, શહેરમાંથી કચરાનું કલેક્શન કરનાર વર્તમાન 2 કોન્ટ્રાક્ટરના લાભાર્થે આવતીકાલે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લીલીઝંડી પ્રોસેસ આગળ વધારવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજથી એક મહિના અગાઉ મહાનગરપાલિકાએ શહેરમાંથી કચરાનું કલેક્શન કરવા માટે ‘નવી’ પાર્ટીઓ નક્કી કરી લીધી છે. રૂ. 270 કરોડનો કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે આપવાનું પણ નવા કોન્ટ્રાકટમાં હોવાનું જાણવા મળે છે, આમ છતાં હજુ આ બાબત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોઈ પણ રીતે સકારણ પહોંચી નથી ! એમ માનવામાં આવે છે કે, નવી પાર્ટી હાલ એમ જ ઉભી રાખી- વારંવાર એક્સટેન્શન મેળવતી ‘જૂની’, વિવાદાસ્પદ અને હાલની કચરા કલેક્શન પાર્ટીઓને વધુ એક વખત સંભવત: 3 મહિના માટે કોન્ટ્રેક્ટ લંબાવી આપવામાં આવશે. મહાનગરપાલિકાની આ ‘મમત’ ચર્ચાઓનો વિષય બની ગઈ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કચરા કલેક્શન કરતી હાલની બે જૂની પાર્ટીઓ વિવાદાસ્પદ છે, તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ છે, અનેક વખત પેનલ્ટીઓ પણ કરવામાં આવી છે, તેમની કચરાગાડીઓ કચરા કરતાંયે બદતર હાલતમાં છે. હાલમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવાથી આ કોન્ટ્રેક્ટમાં મહાનગરપાલિકાએ વધારાના નાણાં પણ ચૂકવવા પડે છે. આટલાં માઈનસ પોઈન્ટ હોવા છતાં વધુ એક વખત આ રનિંગ કોન્ટ્રાક્ટને એક્સટેન્શન મળી જશે એવું લગભગ નક્કી જ છે. આ કોન્ટ્રેક્ટ ખરેખર તો ગત્ વર્ષે નવેમ્બરમાં જ પૂરો થઈ ગયો છે. અને આ નવેમ્બરમાં આ વાતને એક વર્ષ થવા આવશે છતાં હજુ મહાનગરપાલિકાએ નવા કોન્ટ્રાક્ટર પાસે કામ લેવાનું શરૂ કર્યું નથી.
ખરેખર તો જે કોન્ટ્રેક્ટ નવેમ્બરમાં પૂર્ણ થનાર હોય એ અગાઉ ઓક્ટોબરમાં જ નવી પાર્ટી ફાઈનલ કરી લેવાની હોય અને કોન્ટ્રેક્ટ પૂર્ણ થયાના બીજા દિવસથી નવા કોન્ટ્રેક્ટનું કામ શરૂ થઈ જવું જોઈએ-તેને બદલે મહાનગરપાલિકાએ આ નવા કોન્ટ્રેક્ટને શરૂ કરવામાં આશરે એક વર્ષ જેટલો વિલંબ કરી, કોન્ટ્રેક્ટ પૂર્ણ થઈ ગયો છે એ પાર્ટીઓને હજુ સુધી ‘ચાલુ’ રાખી, આ કોન્ટ્રાક્ટરને લાભ જ લાભ આપ્યે રાખ્યો છે, આથી આ આખા મામલા પાછળ ચોક્કસ પ્રકારનું ગણિત અને વિજ્ઞાન હોવાની ચર્ચાઓ વચ્ચે, વધુ એક વખત આવતીકાલે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીમાં ‘ખેલ’ પડી જશે, એમ સૂત્ર જણાવે છે. બીજી તરફ આ સમગ્ર વિલંબનું કારણ ‘અધિકારીઓ’ છે એવો પ્રચાર આડકતરી રીતે ચેરમેન દ્વારા થઈ રહ્યો છે અને સાથેસાથે, અધિકારીઓનો ‘બચાવ’ પણ તેઓ કરી રહ્યા છે ! મતલબ, ચૂંટાયેલી પાંખ આમાં કયાંય જવાબદાર નથી, એમ કહી રહ્યા છે ચેરમેન ?! એવો પ્રશ્ન પણ સપાટી પર આવ્યો.