Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા કચરાના નિકાલની બાબતમાં અવારનવાર વિવાદોમાં ઘસડાય છે. વારંવાર આવી બાબતો સમાચાર બને છે, અનેક વખત આક્ષેપો અને રજૂઆતો થતી રહે છે, છતાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરતી કંપની ‘પાવરલાઈન’ વર્ષોથી સલામત છે અને કૃપાપાત્ર છે, તેનો એક અર્થ એ પણ કરી શકાય કે, શાસકો સહિતના સૌ જવાબદારો આ મામલામાં દૂધે ધોયેલા ન હોય- એ પણ શક્ય છે. વધુ એક વખત ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીઓ ચાર-ચાર દિવસ સુધી અડધાં જામનગરમાં બંધ રહી અને સૌ જવાબદારો ફીડલ વગાડતાં રહ્યા.
અડધાં જામનગર શહેરમાં એટલે કે, આઠ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીઓ બંધ રહી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઘોરતો રહ્યો અને આ પરિસ્થિતિઓ રાતોરાત ઉભી નથી થઈ, છેલ્લા 6-7 મહિનાઓથી આ કંપની વિરુદ્ધ અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન ભરનિંદરમાં રહ્યું અને આખરે હડતાલ થઈ જેને કારણે હજારો નગરજનો ચાર-ચાર દિવસ સુધી હાલાકીઓ ભોગવતા રહ્યા, અને હવે કોર્પોરેશન ડાહી ડાહી વાતો કરે છે કે, અમોએ આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો, આજથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીઓ શરૂ કરાવવામાં આવી છે. આ ડહાપણ અત્યાર સુધી કયાં હતું ?!
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસની જામનગર શાખાએ 9મી ઓગસ્ટે, 2023માં જામનગર મનપાને પત્ર લખેલો. જેમાં જણાવાયું છે કે, પાવરલાઈન નામની આ કંપની પોતાના આઉટસોર્સ કર્મચારીઓને અન્યાય કરે છે, કર્મચારીઓનું શોષણ કરે છે. આ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, 2022ની સાલમાં પણ જૂલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં આ સંસ્થાએ લેખિત રજૂઆત કરી હતી, આમ છતાં આજ દિન સુધી આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ કરવામાં આવી નથી.
આ પત્રમાં સંસ્થાના પ્રમુખ હરિશ ચૌહાણ લખે છે: આ કંપની પોતાના લેબર અને સફાઈ મજદૂરોને સમયસર પગાર આપતી નથી. ક્યારેક કોઈ લેબર પાંચ સાત મિનિટ મોડા આવ્યા હોય તો તેના પગારમાંથી એક ઝાટકે બેત્રણ હજાર રૂપિયા કાપી લેવામાં આવે છે, કંપનીએ પાંચ છ વર્ષથી કામદારોના EPFના નાણાં જમા કરાવ્યા નથી.
તા.11-10-2023ના પત્રમાં હરિશ ચૌહાણ લખે છે: આ પાવરલાઈન કંપનીનું મેનેજમેન્ટ સંભાળતી રમેશ આહિર નામની વ્યક્તિ લેબર અને ડ્રાઇવરોનું શોષણ કરે છે, હવે આ શોષણ સહન કરવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના અધિકારીઓ તેની સાથે સાંઠગાંઠ ધરાવે છે. પાંચ દિવસમાં આ મામલો ઉકેલવામાં નહીં આવે તો ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીઓ બંધ કરી દેવામાં આવશે(મતલબ કે, હાલની હડતાલ અચાનક નથી આવી, કોર્પોરેશનની શિથિલતાને કારણે આ સ્થિતિ નિર્માણ થઈ અને હજારો નગરજનો દિવસો સુધી હાલાકીઓ વેઠવા મજબૂર બન્યા).
ત્યારબાદ જાન્યુઆરીની ત્રીજી તારીખે ફરી એકવાર હરિશ ચૌહાણે પત્ર લખ્યો (ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીઓ એક જાન્યુઆરીએ બંધ થઈ ગઈ હતી!). આ પત્રમાં જણાવાયું છે કે, અધિકારીઓ મોટા ભ્રષ્ટાચારમાં સામેલ છે. કામદારોના પ્રશ્નો અંગે કોઈ પણ જાતની માનવતા દાખવવામાં આવતી નથી. પાવરલાઈન કંપનીના અધિકારીઓ કામદારોનું ભયાનક શોષણ કરે છે.
આજે આ તમામ બાબતો અંગે Mysamachar.in સાથેની વાતચીત દરમિયાન કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું છે કે, કંપનીએ હડતાલ પર ઉતરેલા કામદારોની જગ્યાએ અન્ય કામદારો અને ડ્રાઇવરોને કામ પર ચડાવી દીધાં છે, ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરીઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે.બીજી તરફ જાણવા મળે છે કે, જે 140 જેટલાં કામદારો અને ડ્રાઇવર હડતાલ પર છે તેઓ આજે બપોરે સીટી ઈજનેરને આવેદનપત્ર આપી કંપની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.