Mysamachar.in-જામનગર
જામનગર પંથકમાં રામપર ખાતે તાજેતરમાં એકસાથે ત્રણ માતાજી મંદિરોમાં ચોરીઓ થયાની ફરિયાદ થવા પામી હતી. પોલીસે આ ચોરીઓને અંજામ આપનાર પાંચ પરપ્રાંતિય શખ્સોની ગેંગને શોધી કાઢી છે. હજુ એક શખ્સની ધરપકડ બાકી છે. જો કે ચોરાયેલી રોકડ અને આભૂષણો કબજે લેવામાં આવ્યા છે.
જામનગર-રાજકોટ રોડ પર આવેલા રામપર ગામમાં આવેલાં માતાજીનાં ત્રણ મંદિરો – શ્રી હરસિદ્ધિ માતાજી -શ્રી રવેચી માતાજી તથા શ્રી મચ્છો માતાજી નાં મંદિરોમાં – થોડાં દિવસો પહેલાં ચોરીઓ થયાની એક ફરિયાદ પોલીસચોપડે નોંધાવા પામી હતી. જામનગર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળની ટીમે, આ ચોરીઓ કરનાર મધ્યપ્રદેશના પાંચ શખ્સોને બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી લીધા છે, હજુ એક શખ્સની શોધખોળ ચાલી રહી છે. પોલીસે આ શખ્સોના કબજામાંથી 29 છતરો અને 2 મુગટ સહિતના આભૂષણો અને રોકડ મળી કુલ રૂ. 1.10લાખનો મુદ્દામાલ શોધી કાઢ્યો છે. આ શખ્સોએ અગાઉ મધ્યપ્રદેશના જોબટ પંથકમાં પણ ચોરીઓ કરી હોવાનું પૂછપરછમાં ખૂલ્યું છે.