Mysamachar.in-અમદાવાદ
અમદાવાદના વાસણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે શખ્સોને ઝડપી લઈ આંતરરાજ્ય ચોરીના અલગ અલગ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ આરોપીઓએ ગુન્હાઓને અંજામ આપ્યાનું ખુલ્યું છે, વાસણા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સો ઉપર શંકા જતા તેમની પૂછપરછ કરી હતી. તેમની તલાશી લેતા 6 માસ્ટર કી, કાર અને બાઈકની ચાવીઓ, મોબાઈલ અને પિસ્તોલ જેવુ લાઈટર મળી આવ્યું હતું. જેની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ બાઇક ચોરી અને ઇકો કાર ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ રાજસ્થાનથી લકઝરી બસમાં અમદાવાદ સુભાષબ્રિજ ઉતરતા. માસ્ટર કીથી કોઈપણ બાઇકની ચોરી કરી સિટીમાં ફરતા અને જ્યાં ઇકો કાર દેખાય તે ઇકો કાર ટાર્ગેટ કરતા. માસ્ટર કીની મદદથી ઇકોનું લોક ખોલી ચોરી કરતા હતા. આ બંને આરોપીઓએ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલી 10 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
બંને આરોપીઓમાં મોહનલાલ ઉર્ફે મુન્નો ઉર્ફે શોભરામ ચારણ મૂળ બાડમેર રાજસ્થાનનો છે. તે અગાઉ 2016માં આનંદનગરમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. જયારે જશારામ ઉર્ફે જશું બાડમેર રાજસ્થાનનો છે. બંને વિરુદ્ધ રાજસ્થાનમાં જેસલમેર અને બાડમેર પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ ગુજરાતના અમદાવાદમાંથી ઇકો ચોરી રાજસ્થાનમાં બાડમેર, પોખરણ અને યુપીમાં ચોરી અન્ય ગુન્હાઓને અંજામ આપતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.