Mysamachar.in-ભરૂચ
લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરી અને એ વિસ્તારને છોડી અન્ય જગ્યાઓ પર જઈ એટીએમકાર્ડ વડે પૈસા ઉપાડી લેતી એક ગેંગ ભરૂચ પોલીસને હાથ લાગી છે, ભરૂચ-દહેજ હાઇવે પર દહેગામ ત્રણ રસ્તા પાસેથી XUV કારમાંથી 5 શખ્સોની અટકાયત કરી હતી. જયારે એલસીબી ટીમે તપાસ હાથ ધરતાં કારમાંથી એક લેપટોપ, એટીએમ ક્લોનિંગ કરવાનું રાઇટર મશીન, 10 મોબાઇલ તેમજ 19 બેન્કોના 30 કાર્ડ મળી આવ્યાં હતાં. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલાં પાંચેય આરોપીઓ હાલમાં સુરત ખાતે રહેતાં તેમના મિત્રને ત્યાં બે દિવસથી આવ્યાં હોવાનું કબુલાત આપી હતી, ઉલટતપાસમાં ટોળકીએ ગુજરાત સહિત 7 રાજ્યમાં લોકોના કાર્ડ ક્લોન કરવાનો કારસો રચ્યો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 96 હજાર, કાર તેમજ એટીએમ ક્લોન કરવા વપરાતું મશીન, લેપટોપ તેમજ વિવિધ બેન્કના કાર્ડ મળી કુલ 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સો એટીએમમાં ત્રાહિત વ્યક્તિનું કાર્ડ ક્લોન કર્યાં બાદ ટોળકી તે વિસ્તારમાં જ રૂપિયા ઉપાડવાનું ટાળતી હતી. ટોળકી અન્ય જિલ્લા કે રાજ્યમાં જઇને જ જે તે બેન્કના એટીએમમાંથી જ રૂપિયા ઉપાડી લેતી હતી. જેથી કે રૂપિયા ઉપાડ્યા અંગેની તપાસ વિરુદ્ધ દિશામાં જાય અને આરોપીઓ પોલીસના હાથમાંથી આવતા બચી શકે તેવો.
આ ટોળકી પાસે કાર્ડનું ક્લોન બનાવવા માટેનું ખાસ મશીન છે. જેમાં કોઇ પણ એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવતાં તેની વિગતો મશીનમાં ફિટ થઇ જતી હતી. જે બાદ તે વિગતો લેપટોપની મદદથી તેઓ બ્લેન્ક એટીએમમાં વિગતો સબમિટ કરી તેના થકી કોઇ પણ એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતાં હતાં. એટીએમનો ક્લોન કાર્ડ બનાવી રૂપિયા ઉપાડી લેતી ટોળકીએ ગુજરાત સહિત 7 રાજ્યોમાં આતંક મચાવ્યો છે. જેમાં ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરતમાં કાર્ડ ક્લોનિંગ કર્યાંની વિગતો મળી છે. હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, એમપી, યુપીમાં ઘણા લોકોના ATM કાર્ડ ક્લોનિંગ કરી રૂપિયા ઉપાડ્યાનું ટોળકીએ કબુલ્યું છે. અલગ અલગ એટીએમમાં જઇ કાર્ડથી રૂપિયા ઉપાડી લાવતાં હતાં. જે બાદ તેઓ ટોળકીમાં પોતાના દરજ્જા પ્રમાણે રૂપિયાની વહેચણી કરી લેતાં હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.