Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત સરકાર વિચારી રહી છે કે, સમગ્ર રાજયના દરિયાકિનારે 20 કિમીની મર્યાદામાં આવતાં તમામ વિસ્તારોમાં વીજતંત્રની જે 11 KVની વીજલાઈનો આવેલી છે તે અને આ તમામ વિસ્તારોમાંથી પસાર થતાં વીજવાયરો (ઘર વપરાશ સહિતના) એટલે કે, LT લાઈનો જે હાલ ઓવરહેડ છે, હવામાં ઝૂલે છે, તે તમામ વીજવાયરોને ભૂગર્ભ એટલે કે અન્ડરગ્રાઉન્ડ બનાવી નાંખવામાં આવે. આ માટે ગાંધીનગરે રૂ. 25,000 કરોડનો પ્રોજેક્ટ બનાવી પણ લીધો છે. અને આ પ્રોજેક્ટ મંજૂરી મેળવવા દિલ્હી મોકલી પણ દીધો છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, સરકાર વાવાઝોડાંની અસરોને કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં વીજતંત્રને ઓછામાં ઓછું નુકસાન થાય અને આ સ્થિતિમાં વીજતંત્ર કામ કરતું રહે અથવા ઠપ્પ થાય તો પણ ઓછાં સમયમાં ઝડપથી પૂર્વવત્ કામ કરતું થઈ શકે તે માટે આ નવી વ્યવસ્થા અમલમાં લાવવા ઈચ્છે છે.
તાજેતરમાં કેન્દ્રીય પાવર મિનિસ્ટર RK સિંઘ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ ગાંધીનગરમાં રાજયના ઉર્જા પ્રધાન કનુ દેસાઈ અને આ વિભાગના સચિવ મમતા વર્મા સાથે, આ પ્રોજેક્ટ મુદ્દે ઘણી વાતચીત કરી હતી. આ બેઠકમાં મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રોજેક્ટ ગુજરાત માટે અતિ મહત્ત્વનો છે, એમ કહેલું.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજયમાં PGVCL સૌથી મોટી વીજવિતરણ કંપની છે. અને દરિયાકિનારાનો આ મોટાભાગનો વિસ્તાર આ કંપનીના અન્ડરમાં આવે છે. પાછલાં પાંચ વર્ષ દરમિયાન આ કંપનીએ આ તમામ વિસ્તારોમાં ચાર ચાર વખત વાવાઝોડાંનો સામનો કરવો પડ્યો છે અને ગંજાવર નુકસાન સહન કરવું પડ્યું છે. તાજેતરમાં બિપરજોય અને તાઉતે વાવાઝોડાં દરમિયાન આ તમામ વિસ્તારોમાં અંદાજે 33,000 થી વધુ થાંભલાઓ જમીન પર પડી ગયા હતાં અને આ તમામ વિસ્તારોમાં દિવસો સુધી વીજપૂરવઠો પહોંચાડી શકાયો ન હતો.
હાલમાં PGVCL આ તમામ વિસ્તારોમાં પોતાની બધી જ 11 KV લાઈન અને LT લાઈન સર્વિસ જોડાણ સુધી અન્ડરગ્રાઉન્ડ બનાવવા પ્લાનિંગ કરી રહી છે. આ પ્રકારના વાવાઝોડાં સમયે નુકસાન તો થાય જ છે ઉપરાંત તંત્રને આવકમાં મોટો ફટકો પડે છે અને બધું સરખું કરવા હજારો કર્મચારીઓને અન્ય કામોમાંથી આ કામોમાં વ્યસ્ત રાખવા પડે છે, આ સંપૂર્ણ નુકસાનનો આંકડો બહુ મોટો હોય છે.વીજવાયરો અને 11 KV લાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાથી ફોલ્ટ અને મેન્ટેનન્સ ઘટી શકે છે. આથી વીજપૂરવઠો સારી રીતે અને એકધારો મળી શકે.