Mysamachar.in-અમદાવાદ:
રાજકોટમાં શનિવારે સાંજે ગેમઝોન અગ્નિકાંડ બન્યો. સમગ્ર રાજ્યમાં સનસનાટી સર્જાઈ ગઈ. રવિવારે હાઈકોર્ટે પોતાની રીતે જ, એટલે કે સુઓમોટો, આ દુર્ઘટનાનું સંજ્ઞાન લઈ સુનાવણી શરૂ કરી દીધી. આ સુનાવણી દરમિયાન તીવ્ર પ્રતિક્રિયાઓ પ્રગટ થઈ છે. વડી અદાલતમાં કહેવાયું કે, આ એક પ્રકારની સામૂહિક હત્યા છે. અને, આ કિસ્સામાં ઓથોરિટી એટલે કે સત્તાવાળાઓ પણ એટલાં જ જવાબદાર છે, જેટલાં આરોપીઓ.
વડી અદાલતમાં સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની બેન્ચ રાજકોટ અગ્નિકાંડની સુનાવણી ચલાવી રહ્યા છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી. વડી અદાલતે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમઝોન માટેના નિયમો શું છે, તેની સંપૂર્ણ વિગતો અદાલત સમક્ષ રજૂ કરવા સરકારને સૂચનાઓ આપી.
આ સુનાવણીમાં અરજદાર અમિત પંચાલ ઉપરાંત સરકારના વકીલ, અલગઅલગ મહાનગરપાલિકાઓના વકીલો તથા અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા. અરજદારે કહ્યું: લોકોની હાલત દયનીય છે. ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ કયારે જાગશે ? આ હત્યા કરતાં ઓછું નથી. નિયમો વગરના બાંધકામ માટે બિલ્ડર અને અધિકારીઓને જવાબદાર બનાવવામાં આવે. ઓથોરિટી પણ આવા મામલાઓમાં એટલી જ જવાબદાર છે, એવી રજૂઆત અદાલત સમક્ષ થઇ.
સુનાવણીમાં કહેવાયું કે, રાજકોટનો આ ગેમઝોન 18 મહિનાઓ કરતાં વધુ સમયથી ચાલી રહ્યો હતો. આ ગેમઝોનના ઉદઘાટન સમારોહમાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કલેક્ટર અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ અધિકારીઓએ એમ ન વિચાર્યું કે, આ ગેમઝોનમાં હજારો લોકો આવશે ત્યારે અહીં સુરક્ષાની વ્યવસ્થાઓ કેવા પ્રકારની હશે.
અરજદારે કહ્યું: કોઈપણ બાંધકામ બની જાય, બાદમાં ઓથોરિટી નિરીક્ષણ કરે અને બાદમાં ઉપયોગનું પ્રમાણપત્ર આપવામાં આવે, એ પ્રક્રિયાઓ સુનિશ્ચિત થવી જોઈએ. બિલ્ડર્સ અને અધિકારીઓને આ માટે જવાબદાર લેખવાની વ્યવસ્થાઓ થવી જોઈએ. કોઈ પણ ઈમારતમાં જ્વલનશીલ પદાર્થ કે વિસ્ફોટક પદાર્થ હોય, તે સ્થળને જોખમી સ્થાનની યાદીમાં ગણવું જોઈએ. આ સુનાવણી દરમિયાન નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડિયાના નિર્દેેશ પણ ટાંકવામાં આવ્યા. કોર્પોરેશન એક્ટ મુજબ બિલ્ડીંગની વ્યાખ્યા રજૂ કરવામાં આવી. હંગામી માળખું કે બાંધકામ પણ બિલ્ડીંગની વ્યાખ્યા અંતર્ગત આવે છે, એ રજૂઆત પણ વડી અદાલતમાં થઈ. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી મેઝર્સ માટે અલગ કાયદો છે. આ ગેમઝોન તરફથી રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ અરજી થઈ ન હતી. ફાયર વિભાગ તરફથી NOC મેળવવું ફરજિયાત હોય છે.
TRP ગેમઝોનમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી એવી પણ રજૂઆત વડી અદાલતમાં થઈ. બિલ્ડીંગ નિર્માણ દરમિયાનના નિયમોનું પાલન કરવું પડે, તેમાં પણ ફાયર સેફટીના નિયમો છે, TRP ગેમઝોનમાં આ એક પણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી, એમ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર ઓફિસરની જવાબદારીઓ હોય છે. અરજદારે કહ્યું: આ ગેમઝોન અંગેનો રિપોર્ટ તાકીદે તૈયાર કરવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારીઓ નક્કી કરવામાં આવે. આ કેસમાં સુપ્રિમ કોર્ટના નિર્દેેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે. રાજકોટની આ દુર્ઘટનાને કારણે અદાલતને પણ આંચકો લાગ્યો છે. ખુદ વડી અદાલતે કહ્યું: ઓથોરિટીએ આ કેસમાં બેદરકારીઓ દાખવી છે.