Mysamachar.in-દેવભૂમિ દ્વારકા;
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાબેના સૂઈનેસ ગામેથી એલસીબીએ દરોડો પાડી, એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતા કરવામાં આવેલી કાર્યવાહીમાં રોકડ, કાર, મોબાઈલ વિગેરે સહિત રૂ. 4.47 લાખના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી. દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા તેમજ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના સુઈનેશ ગામના વાડી વિસ્તારમાં રહેતા ડાવા ધના મૂન નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવીને પોતાના ઘરમાં જુગાર રમવા માટેની વ્યવસ્થા પૂરી પાડી, અહીં ઘોડી પાસાના જુગારના ચાલી રહેલા અખાડામાં એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે ડાવા ધના મુન, જામનગરના રહીશ સાજણ ઉર્ફે મુન્નો નાથા મુન, કચરા લગધીર સંધીયા, અનિલ હરીશ મંગે, ડાયા રામજી ગોરડીયા, રમેશ ગોવિંદ મંગે, કિશન દિપક ગજરા, અશોક કેશુભાઈ માવદીયા, ભરત અમરશી પરમાર, રાજેશ અરજણ ધારાણી અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ઉમેશ રવિદાન લાંગાવદરા નામના કુલ 11 શખ્સોને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 2,07,200 રોકડા, રૂ. 40,000 ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા બે લાખની કિંમતની ઈક્કો મોટરકાર સહિત કુલ રૂપિયા 4,47,200 નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર, પ્રવીણભાઈ માડમ, મનહરસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)