Mysamachar.in:અમદાવાદ
સરકાર સરકારી શિક્ષણ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન છે ! ધરાર નીરસ છે ! બીજી તરફ સરકાર ખાનગી શિક્ષણને સતત ઉતેજન આપી રહી છે. જેને પરિણામે લાખો વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર છે. ખાનગી શાળાઓમાં ઉંચી ફી ભરવાની મજબૂરી હજારો પરિવારોને કરજમાં ડૂબાડી રહી છે ! બીજી તરફ, સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ન કરીને સરકારી શાળાઓ તથા સરકારી શિક્ષણને ભાંગી નાંખવામાં આવ્યું છે ! છતાં સૌ વાલીઓ ચૂપ ! વિપક્ષ પણ માત્ર દેખાડા જ કરે છે ! સરકારી શાળાઓમાં સ્થિતિ શું છે ? આંકડાઓ કરૂણ છે. બિહામણાં પણ છે. સરકારની ધરાર નીરસતા સ્પષ્ટ દેખાઈ રહી છે ! છતાં, આ મુદ્દે ક્યાંય, કોઈ સળવળાટ કે મોટું આંદોલન નહીં ! વાલીઓ અને વિપક્ષ – કોની લાજ કાઢી રહ્યા છે ?! એવો પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે. અને, વાલીમંડળો જેવાં કોઈ સંગઠનો છે કે કેમ ?! એ પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે.
આંકડાઓ કહે છે: ગુજરાત સરકારને સરકારી શાળાઓમાં કોઈ જ રસ નથી ! રાજ્યમાં 1,657 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે ! શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ અત્યંત દયનીય છે ! ગામડાઓમાં શિક્ષણનું કોઈ ધણી નથી ! બધું જ રામભરોસે ! જનપ્રતિનિધિઓ અન્ય કામોમાં વ્યસ્ત ! શિક્ષક દિનો અને શિક્ષક સન્માન જેવાં કાર્યક્રમો સરકારી સ્તરે અને પ્રજાનાં ખર્ચે યોજાતાં રહે છે ! વાસ્તવિકતા ખૂબ જ વરવી અને કડવી છે, પરંતુ સરકાર સંવેદનશીલ ન હોવાનું લોકો અનુભવી રહ્યા છે. ગામડાઓમાં 1,363 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ! આ એક શિક્ષક ધોરણ 1 થી 8 નાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે ?! વળી આ શિક્ષકે ચૂંટણી સહિતનાં સરકારી કામો કરવાનાં હોય, ડેટા એન્ટ્રી કરવાની હોય, સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં હાજરી આપવાની હોય, શિક્ષક સાજા માંદા થતાં હોય, અંગત અથવા સામાજિક કામોમાં જતાં હોય – આ બધી કપરી સ્થિતિમાં શિક્ષણ ?! બાળકોનું ભવિષ્ય ?! વગેરે પ્રશ્નોનાં જવાબો સરકાર ક્યારેય આપતી નથી ! અને, સરકારને આ પ્રકારના પ્રશ્નો કોઈ પૂછતું પણ નથી !
ડિજિટલ ઇન્ડિયાની કહાનીઓ વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે, ગુજરાતમાં બે હજારથી વધુ સરકારી શાળાઓમાં હજુ ઈન્ટરનેટ પહોંચ્યું જ નથી ! સરકારી શિક્ષણ વ્યવસ્થા વર્ષોથી વેન્ટિલેટર પર છે, સરકારો બદલાતી રહે છે. પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવાં રૂપાળાં કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચ થતાં રહે છે પણ હકીકત એ છે કે, શાળાઓમાં ભણાવનાર જ નથી ! શિક્ષકોની આ તોતિંગ ઘટ શું સૂચવે છે ?! પ્રવાસી શિક્ષક નામનું થીગડું શિક્ષણનાં ક્ષેત્રમાં ચાલે ?! છતાં ચલાવવામાં આવે છે ! વર્ષ 2017/18 માં 996 શાળાઓમાં એક જ શિક્ષક હતાં. વર્ષ 2018/19 માં 1,275 શાળાઓમાં એક જ શિક્ષક, વર્ષ 2019/20 માં 1,540 શાળાઓમાં એક જ શિક્ષક, વર્ષ 2020/21 માં 1,369 શાળાઓમાં એક જ શિક્ષક અને વર્ષ 2021/22 માં 1,657 શાળાઓમાં એક જ શિક્ષક !! વાંચે ગુજરાત, ભણે ગુજરાત.
નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મનોજ પટેલ કહે છે : સરકારી શાળાઓમાં રાજ્યમાં અંદાજે 32,000 શિક્ષકોની ઘટ છે. સરકાર પાસે આ તમામ માહિતી અને વિગતો છે. અમોએ સરકાર સમક્ષ ઘણી વખત રજૂઆતો કરી છે. પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવતો નથી ! જેની અસર બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર સીધી જ પડી રહી છે. રાજય શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ ભાસ્કર પટેલ કહે છે : શિક્ષણ વ્યવસ્થા પ્રવાસી શિક્ષકનાં નામે ચાલી રહી છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે આઠ હજાર શિક્ષકોની ઘટ છે. છેલ્લાં પાંચ વર્ષથી પ્રિન્સિપાલની ભરતીઓ કરવામાં આવી નથી. આ તમામ વિગતો રાજ્યનો શિક્ષણ વિભાગ જાણે છે. આ અંગે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં શિક્ષકોની ઘટ પૂરવા અંગે કોઈ આયોજન થતું નથી.