Mysamachar.in-સુરત:રાજકોટ:
રાજ્યમાં અલગઅલગ કારણોસર દુર્ઘટનાઓ સર્જાતી જોવા મળી રહી છે જેમાં લોકોના મોત થઈ રહ્યાની વિગતો સામે આવી રહી છે. આજે આ પ્રકારની 2 અલગઅલગ ઘટનાઓમાં 5 લોકોનો ભોગ લેવાયો છે.
આ 2 પૈકીનો 1 બનાવ સુરત નજીકના ભાઠ નામના નાનકડા ગામમાં બન્યો છે. આ ગામમાં એક મકાનમાં વીજપૂરવઠો ન હોવાથી મકાનની અંદર એક જનરેટર રાખવામાં આવેલું. આ જનરેટર ચાલુ હતું તે દરમ્યાન ઘરમાં ધૂમાડો ફેલાયો. આ ધૂમાડાને કારણે ગૂંગળામણ થતાં 3 વ્યક્તિનો ભોગ લેવાયો. જેમાં 2 મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો વરિષ્ઠ નાગરિક એટલે કે વૃદ્ધ હતાં. આ બનાવને કારણે નાના એવા ભાઠ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ઉપરાંત અન્ય એક બનાવ રાજકોટ જિલ્લાના ગોંડલમાં બન્યો છે. ગોંડલના વોરા કોટડા રોડ પર સ્થાનિક વીજતંત્ર દ્વારા સમારકામ ચાલી રહ્યું હતું. આ કામગીરીઓ દરમ્યાન કોન્ટ્રાક્ટરના માણસો કામ કરી રહ્યા હતાં. આ શ્રમિકો રાજસ્થાની હતાં. સમારકામ દરમ્યાન અચાનક વીજપ્રવાહ ચાલુ થતાં શ્રમિકોને વીજઆંચકો લાગ્યો. આ બનાવમાં 2 શ્રમિકોના મોત થયા છે. અહીં કુલ 25 શ્રમિકો કામ કરી રહ્યા હતાં. 4 દિવસથી કામ ચાલી રહ્યું છે.