Mysamachar.in:ગુજરાત
લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, સરકારી તંત્રોની સક્રિયતા વધી રહી હોવાનું સૌ અનુભવી રહ્યા છે. જીએસટી ઉપરાંત આવકવેરા વિભાગને પણ નવા ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, આવકવેરા વિભાગે દરેક આકારણી અધિકારીને 50-50 કેસની ચકાસણીનો ટાર્ગેટ આપી દીધો છે. માર્ચ એન્ડ સુધીમાં દરેક આકારણી અધિકારી પોતાનાં કાર્યક્ષેત્રમાં કરદાતાઓ પર વોચ વધારશે. જુદાં જુદાં 16 પ્રકારના માપદંડોનાં આધારે આ અધિકારીઓ કરદાતાઓની ચકાસણી કરશે. ઓનલાઇન TDS પર પણ નજર રાખવામાં આવશે.
ઘણાં કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે, કરદાતાઓ દ્વારા ચૂકવવામાં આવતાં એડવાન્સ ટેકસમાં વૃદ્ધિ જોવા મળતી હોય છે પરંતુ તેઓનાં TDS હિસાબોમાં વૃદ્ધિ જોવા મળતી નથી. અને આવા ઘણાં કિસ્સાઓમાં તો TDS ચૂકવણી ઘટતી પણ જોવા મળે છે ! આ પ્રકારના કિસ્સાઓમાં TDS નું ઓનલાઈન વેરિફિકેશન થશે. કેન્દ્ર સરકારે આ વર્ષે પ્રત્યક્ષ કરવેરાની વધુ વસૂલાત મેળવવા માટે કમ્મર કસી છે. વિભાગને નવા લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. ઘણાં કરદાતાઓ ટીડીએસ કાપ્યા પછી લાંબા સમય સુધી આ રકમ હિસાબોમાં જમા કરાવતાં નથી. આ પ્રકારના કિસ્સાઓ પર પણ નજર રાખવામાં આવશે.
આ ઉપરાંત અગાઉનાં વર્ષોનાં ઈન્કમટેકસ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટસની રિઅલ ટાઈમ ટેક્સ ચૂકવણી સાથે સરખામણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2022-23માં પ્રત્યક્ષ કર વસૂલાતમાં 19 ટકાનો વધારો થયો હતો. જેનો આંકડો રૂ.82,900 કરોડ રહ્યો હતો. આથી સરકારને લક્ષ્યાંક આગળ લઈ જવામાં પ્રોત્સાહન મળ્યું હોય, એમ સમજાઈ રહ્યું છે ! આ વર્ષે નાણાંકીય વર્ષ 2023-24માં ગુજરાતમાં તથા દેશભરમાં વધુ મોટી પ્રત્યક્ષ કર વસૂલાત માટે આવકવેરા વિભાગ અત્યારથી સજ્જ બન્યો છે.






