my samachar.in: દેવભૂમિ દ્વારકા
દ્વારકા જગત મંદિરમાં વર્ષમાં યોજાતા બે તહેવારોનું ખુબ મહત્વ ભાવિકો માટે છે, તેમાં એક હોળી અને એક જન્માષ્ટમીનો સમાવેશ થાય છે, આ બન્ને દિવસે દ્વારકા જગત મંદિરે લાખોની જનમેદની ભગવાન દ્વારકાધીશને માથું ટેકવવા ઉમટી પડે છે, એવામાં ગણતરીના દિવસોમાં જ હોળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કાળિયા ઠાકર સંગ હોળી ખેલવા ભાવિકોમાં કોરોના બાદ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે અને જાણે દ્વારકા યાત્રાધામને જોડતા જુદા જુદા માર્ગો પર ભજન,ભોજન અને સેવાની અનોખી સરવાણીઓ ચાલી રહી છે.
યાત્રાધામ દ્વારકામાં છેલ્લાં બે વર્ષથી કોરોના કાળના કારણે કુલડોલ ઉત્સવ બંધ રહ્યા બાદ આ વર્ષે કોરોનાને જાકારો મળ્યો છે, ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ અને લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવો અંદાજ છે.દ્વારકામાં પ્રવેશતા યાત્રિકોને દ્વારકાધીશજીના દર્શન કરાવા માટે ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપર આવેલા કીર્તીસ્તંભના પટાંગણથી પ્રવેશ અપાશે અને યાત્રિકો સુદામા સેતુ છપ્પન સીડીના પ્રવેશ દ્વાર ઉપરથી મંદિરમાં પ્રવેશ કરશે અને દર્શન કર્યા બાદ મુખ્ય પ્રવેશ દ્વાર (સ્વર્ગ દ્વાર) ઉપરથી યાત્રિકોએ મંદિરની બહાર નીકળવાનું રહેશે.
-કોઈ અવ્યવસ્થાના થાય તે માટે રેન્જમાંથી મળ્યો છે બંદોબસ્ત.
દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા અને જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના સીધા માર્ગદર્શન હેઠળ આવનાર યાત્રીઓ કે સ્થાનિકોને કોઈ પરેશાની ના થાય અવ્યવસ્થાના સર્જાય તે માટે 1200 જવાનોના બંદોબસ્તની ફૂલપ્રૂફ સ્કીમ દ્વારકા મંદિર સુરક્ષાના ખૂણેખૂણાથી વાકેફ અને આગવી સુઝબુઝ ધરાવતા DYSP સમીર શારડાના માર્ગદર્શનમાં ઘડવામાં આવી છે, તો ફૂલડોલ ઉત્સવથી માંડીને શરૂઆતના દિવસો અને તહેવારોના અંતિમ દિવસો સુધી ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે. દેવભૂમિ દ્વારકા જીલ્લા ઉપરાંત રેંજમાં એટલે કે અન્ય જિલ્લાઓમાંથી કેટલાક જવાનો અને અધિકારીઓની ફાળવણી સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરવામાં આવી છે.જેમાં 5 ડીવાયએસપી,15 પીઆઈ, 50 પીએસઆઈ અને પોલીસકર્મીઓ ઉપરાંત એસ.આર.ડી., એસ.આર.પી., જી.આર. ડી., સહિત પોલિસ સ્ટાફ દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યવસ્થા માટે તૈનાત કરાશે.દ્વારકા મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર શારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરીસરમાં દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવર જવરની રસ્તાની અલગથી વ્યવસ્થા કરાય છે.